અમદાવાદઃ અનામત આંદોલનના હાર્દિક પટેલની હેબીયસ કોર્પસની સુનાવણી ૨૪ સપ્ટેમ્બરે ગુજરાત હાઇ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ કે. જે. ઠાકરની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઇ હતી. જેને પગલે વહેલી સવારથી જ હાઇ કોર્ટ સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. હાર્દિક પટેલને સવારે ૧૧ વાગે કોર્ટમાં લાવવામાં આવ્યો તે અગાઉ જસ્ટિસ એમ.આર.શાહની કોર્ટ વકીલો અને પાટીદારોથી ભરાઇ ગઇ હતી. સુનાવણી શરૂ થતાની સાથે જ હાર્દિકના એડવોકેટ બાબુભાઇ માંગુકિયાએ હાર્દિક મળીને આવ્યા હોવાની રજુઆત કરી હતી. જે સાંભળીને કોર્ટે તેમનો ઉધડો લેવાનો શરૂ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આ કોઇ મજાક છે? તમે કોર્ટ સાથે મજાક કરી છે. અર્ધી રાત્રે હાર્દિક ખોવાયો હોવાની અરજી કરવા આવ્યા ત્યારે અમે તમને ગંભીરતાથી સાભંળ્યા હતા. તો પછી જયારે કોર્પસ(હાર્દિક) મળી જાય ત્યારે કોર્ટને જાણ કરવાને બદલે મીડિયા સામે કેમ ગયા? ૨૪ કલાક સુધી મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યા છે પણ કોર્ટને કેમ જાણ ના કરી? હેબિયર્સ કોર્પસ કરવા પાછળ પબ્લિસિટી સ્ટન્ટ હોય તેમ લાગે છે. ખંડપીઠે બાબુભાઇ માંગુકિયાને ટપારતાં સંભળાવ્યું હતું કે, જયારે કોર્પસ(હાર્દિક) મળે ત્યારે તે મળી ગયાની જાણ કરવાની તમારી પવિત્ર ફરજ છે. તમે કોર્ટના ઓફિસર તરીકેની એ પવિત્ર ફરજ ચુકી ગયા છો. જસ્ટિસ એમ. આર. શાહે બાબુભાઇ માગુંકિયાને એવી પણ ટકોર કરી હતી કે, ‘તમે એક જૂઠ્ઠુ બોલશો તો સો જુઠ્ઠાણા બોલવા પડશે’ માટે સમજી વિચારીને બોલજો. કોર્ટે હાર્દિકને શિરસ્તેદારના ટેબલ પર બોલાવીને છેલ્લા ૨૪ કલાક ક્યા હતો શુ કરતો હતો વગેરે અનેક પ્રશ્નો પુછયા હતા. કોર્ટના અણધાર્યા પ્રશ્નોના વરસાદથી હાર્દિક હતપ્રભ બની ગયો હતો. કોર્ટે તેને ત્યાં જ બેસીને નિવેદન લખાવ્યું હતું. દરમિયાનમાં સરકારે હાર્દિકના મોબાઇલ ફોનના કોલ ડીટેઇલ અને ટ્રાન્સસ્ક્રીપ્ટ સીલ કવરમાં રજૂ કર્યા હતા. સરકારે હાર્દિક જૂઠ્ઠો હોવાની દલીલ કરી હતી. કોર્ટે હાર્દિકના નિવેદન લીધા બાદ તેને પોતાની કસ્ટડીમાં રાખ્યું હતું. અને હાર્દિકને કયા જવું છે તે વિશે પુછતા હાર્દિકે ગાંધીનગર તેના ઘરે જવા કહ્યું હતું. કોર્ટે વધુ સુનાવણી મંગળવાર પર મુલતવી રાખીને હાર્દિકને ગાંધીનગર જવા દેવા આદેશ કર્યો હતો. હાર્દિકને મંગળવારે હાજર રહેવા આદેશ કર્યો છે.
હાર્દિક સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો બને છે
કોઇપણ પ્રકારની મંજૂરી લીધા વગર બાયડમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સભામાં તેણે જે ભાષણ આપ્યુ છે તે ભડકાઉ અને રાષ્ટ્રદ્રોહ સમાન છે. તેણે આ સભામાં એવું ભાષણ આપ્યું હતું કે, ‘સરકાર જો પાટીદારોને અનામત નહી આપે તો પાટીદાર ખેડૂતો તેમની ખેતીની જમીન પરથી સરકારના હાઇ ટેન્શન વાયર ઉખાડી નાખશે.’ આ પ્રકારની ધમકીના અનેક અંશો પોલીસ પાસે પુરાવા સ્વરૂપે છે. જયારે જરૂર પડશે ત્યારે તેને રજૂ કરાશે. ઉપરાંત તેની સભામાં કેટલાક હથિયારો પણ રાખવામાં આવ્યા હતા. તેથી આ સ્થળ પર હિંસા ફાટી નીકળે તેવા સંજોગો પણ હતા. જેના વીડિયો ફૂટેજ પણ પોલીસ પાસે છે.