ગાંધીનગરઃ ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશનર સર ડોમનિક એસ્કવિથે ૨૬ અને ૨૭મી ઓગસ્ટે ગુજરાતની મુલાકાત લીધી હતી. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના પરિપ્રેક્ષ્યમાં સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લઈને હાઈ કમિશનરે બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં હતાં. એસ્કવિથે યુકે અને ગુજરાત વચ્ચેના પ્રોજેક્ટેની પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.
ગુજરાત સાથેના વૈશ્વિક ભાગીદારી ધરાવતા યુનાઇટેડ કિંગડમની ઓફિસ ગુજરાતમાં કાર્યરત છે. ગુજરાતમાં શિક્ષણ હેલ્થકેર, વ્યાપાર, ઇઝ ઓફ ડુંઇગ બિઝનેસ ક્ષેત્રે સંકળાયેલા અને યુકેમાં સ્થાયી ગુજરાતીઓની હિસ્સેદારીની ચર્ચા પણ હાઈ કમિશનરે વિજય રૂપાણી સાથેની વાતચીતમાં કરી હતી. બ્રિટિશ હાઈ કમિશનરે ‘સેવા’ સંસ્થાની મુલાકાત લઈને આ સંસ્થા દ્વારા કચ્છના નાના રણમાં અગરિયાઓના ઉત્થાન માટે યુકે સહિતના દેશો દ્વારા ચાલતા કાર્યો વિશે વિસ્તૃત જાણકારી પણ મેળવી હતી.
બ્રિટિશ હાઈ કમિશનરે અમદાવાદ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને એ વખતે એમણે એવું જાહેર કર્યું હતું કે, ઓક્ટોબરમાં ‘ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે’ની ઉજવણી વખતે ત્રીજી વાર્ષિક સ્પર્ધા યોજાશે અને એમાં જીતનાર ગર્લ સ્ટુડન્ટને એક દિવસ માટે બ્રિટિશ હાઇ કમિશનર બનવાનો મોકો મળશે.


