હાર્દિક, તમે કરોડપતિ કેવી રીતે થયા એ અમને ખબર છેઃ કેતન, ચિરાગ

Wednesday 24th August 2016 07:46 EDT
 
 

ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ની કોર કમિટિના સભ્યો ચિરાગ પટેલ અને કેતન પટેલે મુખ્ય સંયોજક હાર્દિક પટેલને લખેલો ખુલ્લી ચેતવણી આપતો પત્ર ૨૨મી ઓગસ્ટે પ્રગટ થયો છે. પત્રમાં હાર્દિકને ચીમકી અપાઈ છે કે હાર્દિક નેતા બનવાની પોતાની મહત્ત્વાકાંક્ષા અને સ્વાર્થવૃત્તિને સંતોષવા માટે સમાજને હાથો બનાવીને રૂપિયાવાળા બનવાની પ્રવૃત્તિ બંધ કરે. પ્રવૃત્તિથી સમાજને ઘણું નુકસાન પહોંચ્યું છે. ઊંઝામાં પાટીદારો વચ્ચે થયેલા વિગ્રહ પાછળ પણ હાર્દિકની પ્રવૃત્તિ જવાબદાર હોવાનું ચિરાગ અને કેતને પત્રમાં જણાવ્યું છે.
પત્રમાં લખ્યું છે કે, હાર્દિકે જણાવેલું કે પહેલી ગોળી ખાશે. તેની હિંમત જોઈને હજારો યુવાનોએ સંઘર્ષ કર્યો, ઘણા શહીદ થયા. એક વર્ષ પહેલાં સમગ્ર પાટીદાર સમાજ ‘પાસ’ના એક અવાજે રસ્તા પર ઊતરી આવ્યો હતો, પરંતુ સમાજની તાકાતનો ઉપયોગ હાર્દિકે વ્યક્તિગત સ્વાર્થ સાધવા માટે કર્યો છે જેના કારણે આજે પાટીદારોમાં વિગ્રહની સ્થિતિનું નિર્માણ થયું છે.
જેલવાસને કુરબાની કહી
અનામત આંદોલનને હાર્દિકે રૂપિયા કમાવાનું વ્યક્તિગત માધ્યમ બનાવ્યું હોવાનો આરોપ લગાવીને ચિરાગ-કેતને લખ્યું છે કે આંદોલન પહેલાં હાર્દિક અને તેના વિપુલકાકાની આર્થિક સ્થિતિ શું હતી આજે જેલમાં જઈ આવ્યા પછી અચાનક કરોડપતિ કેવી રીતે થઈ ગયા? આંદોલન પ્રભાવિત લોકો પૈકીના એક પ્રતીક પટેલના પરિવારને અમદાવાદમાં સારવાર માટે થોડા સમય માટે પણ ભાડાનો ફ્લેટ મેળવવા માટે વલખાં મારતાં જોયા છે ત્યારે ખૂબ દુ:ખ થયું છે.
ઓચિંતા નાણા ક્યાંથી?
ચિરાગ-કેતને આગળ લખ્યું છે કે, હાર્દિક ભોગવેલા જેલવાસને સમાજ માટે કુરબાની કહીને લાગણી જીતવાનો પ્રયત્ન કરે છે. તેની સાથે એકસરખા ગુના હેઠળ જેલમાં ગયેલા લોકોએ આપેલા ભોગનો ઉલ્લેખ સુદ્ધાં કરતો નથી. આંદોલનમાં શહીદ પાટીદારોના પરિવારને મદદ કરવાને બદલે હાર્દિક, તેના વિપુલકાકા તેમજ તેના મિત્રો વૈભવી જીવન જીવી રહ્યા છે. એ રૂપિયા શહીદોની સહાય કરવા માટે, આંદોલનના નામે ઉઘરાવેલા હતા તે હાર્દિકે ભૂલવું ન જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter