ગાંધીનગરઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પાંચમી જૂને ગુજરાતમાં અનામત માટે આંદોલન કરી રહેલા પાટીદારોની તરફેણમાં વીડિયો સંદેશો આપીને જણાવ્યું હતું કે, ‘છેલ્લા આઠ મહિનાથી જેલમાં બંધ હાર્દિક પટેલ સામે ગુજરાતના લોકોમાં ખૂબ જ નારાજગી દેખાય છે. હાર્દિકનો ગુનો શું છે? હાર્દિકે તો ગુજરાતીઓ માટે, પોતાના પોતાના સમાજ માટે સંઘર્ષ કર્યો.
હાર્દિકે ક્યારેય દેશના વિરુદ્ધમાં અવાજ ઊઠાવ્યો નથી. તેમણે ક્યારેય પણ રાષ્ટ્રને તોડનારી તાકાતો સાથે હાથ મિલાવ્યા નથી. આજે આપણે જોઇ રહ્યા છીએ કે મહારાષ્ટ્ર ભાજપના એક પ્રધાન એકનાથ ખડસેના દાઉદ ઇબ્રાહિમ જોડે વાત કરતા કોલ રેકોર્ડ સામે આવ્યા છે તો દેશદ્રોહી તો એકનાથ ખડસે થાય ને? એકનાથ ખડસે સામે સરકાર કોઇ પગલાં નથી લઇ રહી, પરંતુ હાર્દિક પટેલ સામે સરકાર દેશદ્રોહના ગુના નોંધે છે. હાર્દિકની માગ છે તેનાથી કોઇ અસહમત જરૂર હોઇ શકે, તેની વાત સાથે મતભેદ જરૂર હોઇ શકે, પરંતુ આને દેશદ્રોહ ન કહી શકાય.
હાર્દિક પટેલ જે વાત કરી રહ્યા હતા તે જ વાત લાખો ગુજરાતી કરી રહ્યા હતા. તો શું લાખો ગુજરાતી દેશદ્રોહી થઇ ગયા? અચાનક ગુજરાતના લોકોને દેશદ્રોહી કહી દેવા ગુજરાતીઓનું આ રીતે અપમાન કરવું બિલકુલ ઠીક નથી અને ખૂબ જ અન્યાયપૂર્ણ છે’.


