હાર્દિક પટેલ 30મીએ કમલમમાં કેસરિયો ખેસ પહેરશે?

Saturday 28th May 2022 06:29 EDT
 
 

અમદાવાદ: કોંગ્રેસને અલવિદા કહીને આખરે આંદોલનકારી હાર્દિક પટેલ કમલમની શરણે જશે એમ નક્કી મનાય છે. દિલ્હી હાઈ કમાન્ડે લીલી ઝંડી આપતાં જ હાર્દિક પટેલ 30મીએ કેસરિયો ધારણ કરશે.
ભાજપના કાર્યકરોના આંતરિક વિરોધ વચ્ચે હાઈ કમાન્ડે હાર્દિક પટેલને પક્ષમાં પ્રવેશ આપવા લીલીઝંડી આપી દીધી છે. સૂત્રોના મતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28મીએ ગુજરાતના પ્રવાસે છે.
વડા પ્રધાન આટકોટમાં પાટીદારોને સંબોધન કરવાના છે ત્યારે જ હાર્દિક પટેલે ભગવો ધારણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ આ વિનંતીને ગ્રાહ્ય રાખવામાં આવી ન હતી. આ પછી ગાંધીનગર ખાતે સહકાર સંમેલન વખતે પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં હાર્દિકે કેસરિયો ખેસ ધારણ કરવાની વિનંતી કરી હતી. જોકે આ રાજકીય ઈચ્છા પણ માન્ય રાખવામાં આવી ન હતી.
એવું પણ એક અહેવાલમાં જણાવાયું હતું કે હાર્દિક કાર્યકરો સાથે ભાજપમાં જોડાવા માંગે છે. તેઓ રેલી સ્વરૂપે કમલમમાં જઈને શક્તિ પ્રદર્શન કરવા માંગતા હતા પણ કમલમથી આ મુદ્દે સ્પષ્ટ ના પાડી દેવામાં આવી છે. આ અંગે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે હજુ સુધી મંજૂરી આપી નથી.
હવે એવું કહેવાય છે કે આવતા સોમવારે - 30મીએ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં હાર્દિક પટેલ કમલમ ખાતે ભાજપમાં જોડાનાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter