ઉદયપુરઃ ગુજરાત હાઇ કોર્ટમાંથી શરતી જામીન મળ્યા બાદ ૧૭મીએ ઉદયપુર પહોંચેલા પાસના કન્વીનર હાર્દિક પટેલને ૨૦મીએ તેના હંગામી નિવાસે નજરકેદ કરાયો હતો. એક દિવસ અગાઉ નાથદ્વારા જવા બદલ ઉદયપુર આઇજી આનંદ શ્રીવાસ્તવે ૨૦મીએ હાર્દિકને તેના કાર્યાલયમાં બોલાવીને જામીનની શરતોને ટાંકીને હાઇ કોર્ટની મંજૂરી મેળવ્યા વિના ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ લાગુ કર્યો હતો.
હંગામી નિવાસે પોલીસ તૈનાત
ઉદયપુરમાં આવેલા હાર્દિકના હંગામી નિવાસસ્થાને સિવિલ ડ્રેસમાં પોલીસકર્મીઓ તૈનાત કરી દેવાયા છે તો બીજી તરફ હાર્દિકનું કહેવું છે કે તેણે તેના વકીલને બોલાવ્યા છે. મામલે તે વકીલ સાથે વાત કરશે. અગાઉ વકીલે હાર્દિકને એમ જણાવ્યું હતું કે તેણે છ મહિના માટે ગુજરાત બહાર રહેવાનું છે, પણ ગુજરાત સિવાય આખા ભારતમાં તે સ્વતંત્રતાથી ફરી શકે છે.
હું નજરકેદ છુંઃ હાર્દિક
હાલમાં ગુજરાતની બહાર છ મહિના રહેવાના કોર્ટના આદેશનું પાલન કરવા ઉદયપુરમાં રહેતા પાસના કન્વીનર હાર્દિક પટેલે કહ્યું છે કે, ‘હા, હાલમાં હું નજરબંધ છું. કારણકે ઉદેપુરના આઈજી આનંદ શ્રીવાસ્તવે ૨૦ જુલાઈની બપોરે મને પોતાની ઓફિસે બોલાવીને સ્પષ્ટ રીતે જણાવી દીધું હતું કે તમે ઉદયપુરના તમારા ઘરમાંથી ક્યાંય પણ બહાર નહીં નીકળી શકો.’


