હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ

Tuesday 14th July 2020 05:29 EDT
 
 

ગાંધીનગર: ગુજરાતમાં સતત તૂટતી જતી કોંગ્રેસને બચાવવા પાર્ટી હાઈ કમાન્ડે પરંપરાથી વિપરીત લગભગ નવા નિશાળિયા ગણાતા હાર્દિક પટેલ (ઉં ૨૬)ને પક્ષનાં ગુજરાત એકમના કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે. જોકે આ નિર્ણયથી પક્ષના ઘણા નેતાઓ નારાજ થયા છે. વર્ષના અંતમાં આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીને હાર્દિકના ભરોસે કોંગ્રેસ લડવા માગતી હોય તેવું આ નિર્ણયથી સ્પષ્ટ થયું છે. પક્ષના આ નિર્ણયથી એક પૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, ખૂબ ઉંમરલાયક નેતાઓ કોંગ્રેસમાં સાવ અશક્ત ન થાય ત્યાં સુધી વિવિધ જવાબદારીઓ પર નિયુક્ત હોય છે. કોંગ્રેસમાં પચાસ-પંચાવન વર્ષનો નેતા પણ સાવ નવયુવાનની ઉપમા પામે છે તો હાર્દિકને હજી દૂધના દાંત ફૂટવાના બાકી છે તેમ કહેવાય. હાલ હાઈ કમાન્ડે આ નિર્ણય કરીને ભૂલ કરી છે.
કોંગ્રેસના એક નેતાએ રોષ સાથે કહ્યું કે, વર્તમાન પ્રભારી રાજીવ સાતવ, પ્રમુખ અમિત ચાવડા અને પરેશ ધાનાણીના દેખાવથી અસંતુષ્ટ હાઈકમાન્ડે આ નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં આ ત્રણેય કદ પ્રમાણે વેતરાશે. જોકે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, જનહિત માટેની લડાઈ હવે ગુજરાતમાં અમે સાથે મળીને લડીશું. જ્યારે ગુજરાત ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે, ગુજરાતમાં સામાજિક મતભેદ, તોફાનો, અશાંતિ અને અપપ્રચાર ફેલાવ્યો તે વ્યક્તિને કોંગ્રેસે આ પદ આપ્યું છે.
કોંગ્રેસ હજુ ૩ કાર્યકારી પ્રમુખ નિમવાની વેતરણમાં
કોંગ્રેસે હાર્દિકની નિમણૂક કર્યા પછી ચર્ચા છે કે હવે કોંગ્રેસ ૩ નવા કાર્યકારી પ્રમુખ નિમી શકે છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસના નેતાઓએ કાર્યકારી પ્રમુખ બનવા માટે લોબિંગ ચાલુ કરી દીધું છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમાંથી, દક્ષિણમાં આદિવાસી સમાજમાંથી અને સૌરાષ્ટ્રમાં કોળી કે આહિર નેતાની પસંદગી થવાની શક્યતા છે.
રાજકીય વિશેષજ્ઞો પ્રમાણે ૮ મહિનાથી પ્રદેશ કોંગ્રેસનું માળખું રચાયું નથી ત્યારે કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિકની નિમણૂક કરી પક્ષે સંગઠનમાં થોડો ઉત્સાહનો સંચાર કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter