ગાંધીનગરઃ ‘પાસ’ના યુવાનેતા હાર્દિક પટેલને કોંગ્રેસે મોટી જવાબદારીઓ આપીને દાવ ખેલવાની નીતિથી ક્યાંક કોંગ્રેસનો જ દાવ ન થઈ જાય તેવું રાજકીય વિશેષ્જ્ઞોનું માનવું છે. હાર્દિકની ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણી લડવાની મહેચ્છા ઉપર ભલે દાવ ખેલાતો હોય, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ એને રાષ્ટ્રીય સ્તરે સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કર્યાં છે એ કોંગ્રેસને ભારે ન પડે? પક્ષના ઉત્તર પ્રદેશના એકમે પ્રથમ અને દ્વિતીય તબક્કાના ચૂંટણી પ્રચાર માટે જે ૪૦ સ્ટાર કેમ્પેઈનરોની યાદી જાહેર કરી છે, એમાં ગુજરાત તરફથી એકમાત્ર હાર્દિકને સમાવિષ્ટ થયો છે. એક તરફ ચૂંટણી લડવા ઉપર વિસનગર કોર્ટનો કેસ એના માટે અડચણરૂપ બની રહ્યો છે.
તો બીજી તરફ પાર્ટી એમને જામનગરથી લડાવશે કે ગાંધીનગરથી એ હજી નક્કી નથી, ત્યારે જો એ ચૂંટણી લડશે તો બીજે પ્રચાર કરવા જઈ શકશે કે કેમ એ બાબતે તો પાર્ટીએ જ વિચારવું રહ્યું.
પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતા આંદોલનનો ગઢ ગણાતા મહેસાણામાં કોંગ્રેસ જેને પોતાનો ફાયદો માની રહી છે એવા પાટીદારો પોતાના નેતાને લઈ કોંગ્રેસ તરફી ઝુકાવ રાખે છે કે પછી સમાજ સાથે ગદ્દારી કરીને આંદોલનના નામે રાજકારણમાં પ્રવેશવાના આજ ફેકટરને લઈ ભાજપ તરફ વળે છે તે પણ હાલ કળી શકાય તેમ નથી.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનો વિસ્તાર એવા મહેસાણામાં થયેલા કરોડોના વિકાસના કામોને લઈ લોકોનો ઝૂકાવ ભાજપ તરફી વધુ જોવા મળે એમ વિશ્લેષકો માને છે.

