હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો ગુનો નોંધવા માગ

Thursday 17th September 2015 08:11 EDT
 

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનની અમદાવાદની રેલી પછી થયેલા હિંસક તોફાનો અને જાનમાલને થયેલા નુકસાન માટે આંદોલનના સૂત્રધાર હાર્દિક પટેલને જવાબદાર ઠેરવી તેની સામે રાજદ્રોહનો ગુનો નોંધવાની માગ સાથે ગુજરાત હાઈ કોર્ટમાં એક પિટિશન થઇ છે.

ગાંધીધામના નરેન્દ્ર ગઢવી વતી તેમના વકીલ આર. કે. રાજપૂતે હાઈ કોર્ટમાં ૧૬ સપ્ટેમ્બરે આ પ્રકારની માંગ સાથેની પિટિશન કરી છે. આ અંગે નરેન્દ્ર ગઢવીએ કહ્યું હતું કે, અગાઉ અમે વસ્ત્રાપુર પોલીસ મથકમાં પ્રથમવાર માગ સાથે અરજી આપી હતી, પરંતુ પોલીસે આ પ્રકારનો ગુનો નોંધવાની સત્તા ન હોવાનું કહી ફરિયાદ લીધી નહોતી. ત્યાર બાદ ગૃહરાજ્ય પ્રધાન રજની પટેલ અને પછી પ્રવક્તા પ્રધાન નીતિન પટેલ સમક્ષ હાર્દિક પટેલ સામે સરકારે ગુનો નોંધવો જોઈએ તેવી રજૂઆત કરી હતી.

હાર્દિક પટેલે વિવિધ સ્થળોએ સભાઓ યોજી ઉશ્કેરણીજનક ભાષણો કર્યા. છેવટે અમદાવાદમાં ૨૫ ઓગસ્ટે મહાસભા બાદ હિંસક તોફાનો થયા. જેમાં નવ લોકોના મૃત્યુ થયા અને કરોડો રૂપિયાની મિલકતોને નુકસાન થયું. આ માટે હાર્દિકને જવાબદાર ઠેરવી તેની સામે રાજદ્રોહ સહિતના ગુના નોંધવા સરકારને આદેશ આપવાની માંગ કરાઈ છે. આ અંગે થોડા દિવસમાં હાઇ કોર્ટમાં સુનાવણી થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter