અમદાવાદઃ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના તેનપુર ગામે ગત સપ્તાહે યોજાયેલી શ્રદ્ધાંજલિ સભા બાદ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ ગાયબ થયા બાદ ગુજરાત હાઇ કોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી થઇ હતી. બીજા દિવસે હાર્દિક પટેલ ધ્રાંગધ્રા હાઇવે પરથી મળી આવતાં તેને હાઇ કોર્ટમાં રજૂ કરાયો હતો.
હાઇ કોર્ટે હેબિયસ કોર્પસની અરજી બાબતે સવાલો ઉઠાવ્યા હતા અને આ મામલે મંગળવારે હાઇ કોર્ટમાં સુનાવણી હોવાથી હાર્દિક તેના વકીલ બાબુભાઇ માંગુકિયા સાથે કોર્ટમાં પહોંચ્યો હતો. હાર્દિક પટેલની કાર હાઇકોર્ટ નજીક આવતાં જ કેટલાક સમર્થકો તેની કારને ઘેરી વળ્યા હતા. સુનાવણીમાં શાંતિપૂર્ણ રીતે પતાવવા અને આક્ષેપો-પ્રતિઆક્ષેપોથી દૂર રહેવા કોર્ટે હાર્દિકને સલાહ આપી હતી. અરજદારોએ રજૂ કરેલી આક્ષેપોવાળી એફિડેવિટ પરત ખેંચવા માટે કોર્ટે કરેલા સૂચનને તેમણે ગ્રાહ્ય રાખ્યું હતું.
કોર્ટે સૂચન કર્યું હતું કે માત્ર સામાન્ય એફિડેવિટ કરી તેઓ આ અંગે શું કહેવા માંગે છે એ સ્પષ્ટ કરે. એફિડેવિટ કરવા માટે તેમને સોમવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે. તેમજ કેસની વધુ સુનાવણી ૮ ઓક્ટોબર પર મુલતવી રાખી છે.
હિંમતનગરમાં યોજાશે મહિલા પાટીદારોની રેલી
હાઈ કોર્ટમાં હેબિયસ કોપર્સની સુનવાણી બાદ હાર્દિક પટેલે ઠંડા પડેલા અનામત આંદોલનને ફરી વેગ આપવાનું એલાન કર્યું હતું. તેણે કહ્યું કે, હિંમતનગરમાં ટૂંક સમયમાં પાંચ લાખ પાટીદાર મહિલાઓની વિશાળ રેલી યોજાશે. પાટીદાર સમાજે ૨૫ ઓગસ્ટે જેવી રેલી અમદાવાદમાં યોજી હતી તે પ્રકારની રેલી ફરી હિંમતનગરમાં યોજાશે.આ વખતે રેલી પાછળનું મુખ્ય કારણ છે રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલા સ્પેશિયલ પેકેજનો વિરોધ કરવો.
રાજ્યમાં અનેક સ્થળે પાટીદાર મહિલાઓ થાળી-વેલણ લઇને વિરોધ પ્રદર્શન યોજી રહી છે. ત્યારે મહિલાઓના આ જુસ્સાને વધારે વેગ આપવા આ મહિલા રેલીનું એલાન કરીને આંદોલનમાં ફરી નવા પ્રાણ ફૂંક્યા છે.