હાર્દિક પટેલના અડીખમ ઉપવાસઃ સરકારે સારવાર લેવાની સલાહ આપી

Wednesday 05th September 2018 06:51 EDT
 
 

અમદાવાદઃ પાટીદાર સમાજના કન્વીનર હાર્દિક પટેલના ખેડૂતોના દેવામાફીની માગ સાથે છેલ્લા ૧૧ દિવસ ચાલી રહેલા આમરણાંત ઉપવાસમાં હાર્દિકની તબિયત લથડતાં સમર્થકોની વાત માનીને હાર્દિકે પહેલી સપ્ટેમ્બરે ઉપવાસના નવમા દિવસે સવારે સ્વામીનારાયણ સંપ્રદાયના એસપી સ્વામીના હાથે પાણી પીવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે દિવસે સવારથી ઉમિયાધામ સિસદર, ખોલડલધામ કાગવડ, તથા એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ પણ પહોંચ્યા હતા. જ્યારે ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ હાર્દિકના અનશન બાબતે સરકાર સાથે મંત્રણા કરવાની વાત કરી હતી.
મધ્ય પ્રદેશથી મેઘા પાટકર પણ તે જ દિવસે હાર્દિકની મુલાકાતે આવ્યા હતા, પરંતુ પાસ સમિતિના સભ્યો અને સમર્થકો દ્વારા મેઘા પાટકરનો હુરિયો બોલાવીને હાર્દિકને મળતાં રોક્યા હતા. બાદમાં પાટકરને હાર્દિકને મળ્યા વગર જ પાછાં ફરવાનો વારો આવ્યો હતો.
વજન ઘટ્યું
હાર્દિકના સમર્થકોએ રવિવારે સાંજે ગ્રીનવૂડ રિસોર્ટમાં જવાની જિદ કરતાં પોલીસે તેમને રોકતાં લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનાથી નારાજ હાર્દિકે ડોક્ટરોની ટીમને રૂટિન મેડિકલ ચેકઅપ કરવાની ના પાડીને જણાવ્યું હતું કે, હવે આ જુલમ બંધ નહિ થાય ત્યાં સુધી તે મેડિકલ તપાસ નહિ કરાવે. જોકે સમજાવટ પછી મેડિકલ ટ્રીટમેન્ટ લેતાં જણાયું કે ૯મા દિવસે તેનું વજન ૬૦૦ ગ્રામ ઘટયું હતું. તે દિવસે સવારે તે થોડો સમય બેભાન પણ થઈ ગયો હતો. જોકે હોસ્પિટલમાં દાખલ થવાનો તેણે ઈનકાર કર્યો હતો. જો પોલીસ જબરજસ્તી હોસ્પિટલમાં દાખલ કરશે તો પણ ઉપવાસ ચાલુ રાખવાનું હાર્દિકે એલાન કર્યું હતું. હાર્દિકની તબિયત જેમ જેમ લથડી રહી છે તેમ તેમ સમર્થકોની આવન-જાવન પણ વધી રહી છે.
સરકારની સલાહ
ભાજપી નેતા શત્રુઘ્ન સિંહા અને અગ્રણી નેતા યશવંત સિંહાએ પણ હાર્દિકને સમર્થન જાહેર કર્યું છે તેવામાં રાજ્ય સરકાર વતી સિનિયર નેતા સૌરભ પટેલે ત્રીજી સપ્ટેમ્બરે હાર્દિકને સારવાર લેવા માટે સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે.
સૌરભ પટેલના નિવેદનને વખોડતા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ અને કિરીટ પટેલે કહ્યું કે, હાર્દિકના આંદોલન અંગે સરકારને અગાઉથી જાણ હતી. છતાં સરકારે તે બાબતે ગંભીરતા દાખવી નહીં. તેથી હાર્દિકની તબિયત અંગે સરકારે સલાહ આપવાની જરૂર નથી. હાર્દિક ડોક્ટરની સલાહ માની રહ્યો છે તો સરકારે તેની સલાહ માનવી જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter