સુરતઃ પાટીદાર સંગઠનના કન્વીનર હાર્દિક પટેલ પર ચાલી રહેલા રાજદ્રોહના કેસમાં સોમવારે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં આરોપી હાર્દિકની જામીન અરજીનો વિરોધ કરતાં કરતાં કહ્યું હતું કે, હાલના આરોપી રાજદ્રોહ જેવા ગંભીર પ્રકારના ગુનાનો આરોપી છે. આરોપી સામે પૂરતા પુરાવા છે. આ કેસમાં હજી અગત્યના સાક્ષીઓના પુરાવા લેવાના બાકી છે. તેથી કોર્ટ દ્વારા તેમને વધુ સમય ફાળવવામાં આવે. સુખડવાલાની અરજી માન્ય રાખીને કોર્ટે હાર્દિકને પોલીસ કસ્ટડીમાં જ રાખવાનો નિર્ણય લીધો હતો.
બીજા તરફ પાટીદાર કાર્યકર્તા વરુણ પટેલ સરકારે આપેલા નિવેદન કે, હાર્દિક પટેલને જામીનથી શાંતિ ખોરવાશેથી ખફા છે અને તેમણે કહ્યું છે કે, સરકાર ન સમજે તો ૪ લાખ પાટીદાર જેલમાં જવા તૈયાર છે, પણ હાર્દિક તો છૂટીને જ રહેવો જોઈએ.
પાસના પ્રવક્તા વરુણ પટેલે આ મુદ્દે સરકારને ચીમકી આપતા જણાવ્યું કે, અમને ન્યાયતંત્ર પર પૂરતી શ્રદ્ધા છે, પરંતુ સરકારને કહેવા માગીએ છીએ કે અમારા ૪ આગેવાનોને જેલમાં બંધ રાખીને આંદોલન દબાવી દેવાની ભૂલભરેલી ઇચ્છા ન રાખે. આજે ૪ યુવાનો જેલમાં છે જરૂર પડશે તો કાલે ૪ હજાર કે ૪ લાખ પાટીદાર યુવાનો પણ જેલમાં જવા તૈયાર થશે.
દરમિયાન અનામત આંદોલનને વેગવંતુ બનાવવા સુરતના પાસના કાર્યકરો સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ભાવનગર જિલ્લાના મોટા સુરકામાં કેશવભાઇ લવજીભાઇ જસાણી, હાર્દિક દોમડીયા, અનિલભાઇ જસાણી અને મહેશ જસાણી હાર્દિકને છોડાવવા માટે અમરણાંત ઉપવાસ પર બેઠા છે. સૌરાષ્ટ્રના અન્ય ૧૦ પાટીદાર યુવાનો છઠ્ઠી ફેબ્રુઆરીથી રોજિંદા પ્રતીક ઉપવાસ પર છે અને શિહોરના ૩૦ ગામના પાટીદારોએ ઉપવાસને ટેકો જાહેર કર્યો છે. આ પરિસ્થિતિમાં સુરતના પાસના કાર્યકરોએ સૌરાષ્ટ્રની મુલાકાત લીધી છે.
બીજી તરફ આઠમી ફેબ્રુઆરીએ વેસુમાં પોલીસ અને પાલિકા દ્વારા સંચાલિત યુ-ટન કાર્યક્રમમાં આશરે બસોથી અઢીસો પાટીદારો ‘જય સરદાર, જય પાટીદાર’ લખેલી ટોપી પહેરીને રેલી કાઢી રહ્યા હતા ત્યારે પોલીસે એક વડીલ પાટીદાર સાથે ગેરવર્તન કર્યું અને તેના પુત્રને ધક્કો માર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. જ્યારે પોલીસે પાટીદારોના આ આરોપને નકાર્યો હતો.
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા નવમી ફેબ્રુઆરીએ આંદોલનના ભાગરૂપે ધરણાં ચાલ્યાં અને કતારગામમાં સમસ્ત પાટીદાર સમાજની વાડીની બહાર સરકાર અને સરકારને સાથ આપતા પાટીદારોનો વિરોધ કર્યો હતો.


