અનામત આંદોલન દરમિયાન અમદાવાદ સહિત રાજ્યભરમાં ૧૧૫ જેટલા સ્થળે તોફાનો ફાટી નીકળ્યા હતા તે વખતે પાટીદાર સમાજના કન્વીનર હાર્દિક પટેલ અને તેની ટીમના ૫ સભ્યોએ સરકાર વિરુદ્ધ ઉશ્કેરણીજનક સંદેશા આપ્યા હોવાનું ક્રાઈમબ્રાંચના ઇન્ટરસેપ્શન (ઇલેક્ટ્રોનિક્સ સર્વેલન્સ)માં બહાર આવ્યું છે. આ સમયમાં હાર્દિક અને તેના સાથીદારોએ ૫૫ પોલીસ ચોકીઓને નુક્સાન, મંત્રી ધારાસભ્યોના ઘર પર હુમલા, બસો સળગાવો, ચક્કાજામ કરો જેવા સંદેશા ફેલાવ્યા હતા. આ આધારે ક્રાઇમબ્રાંચના એસીપી કે. એન. પટેલે હાર્દિક સહિત તેના છ સાથીદારો સામે રાજદ્રોહ અને સરકાર ઉથલાવી પાડવાનું કાવતરું રચવાની ચેષ્ટા કરવાની અને બે સમુદાય વચ્ચે ગજગ્રાહ પેદા કરવાનો ગુનો નોંધ્યો છે.
હાર્દિક પટેલની નજીકની વ્યક્તિઓ પર ક્રાઇમબ્રાંચ છેલ્લા ૩ મહિનાથી વોચ રાખી રહી હતી. જેમાં હાર્દિક પટેલ, દિનેશ બામણિયા, ચિરાગ પટેલ, કેતન પટેલ, અલ્પેશ કથીરિયા, અમરેશ ડી. પટેલને ક્રાઇમબ્રાંચ ઇન્ટરસેપ્ટ કરતી હતી. જેમાં તેમના ફોન પરથી આંદોલન દરમિયાન તોફાનો કરાવવાનો મેસેજ મોકલાતા હોવાનું બહાર આવ્યું હતું.
ક્રાઇમબ્રાંચે ૨૧મી ઓક્ટોબરે સોલા હાઇકોર્ટ પાસેથી લાલજી પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બામણિયાને પકડી પાડ્યા હતા. બાદમાં લાલજી પટેલનો આ કેસમાં રોલ ન હોવાથી તેમને મુક્ત કરાયા હતા. આમ, સુરત બાદ ફરી અમદાવાદમાં રાજદ્રોહનો ગુનો હાર્દિક વિરુદ્ધ નોંધાયો છે.