ગાંધીનગરઃ ચૂંટણીના પડઘમ વચ્ચે અમદાવાદ સ્થિત ધરતી પરિવારમાં ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા, ખોડલધામ - કાગવડ, સમસ્ત પાટીદાર સમાજ - સુરત, ઉમિયા માતાજી મંદિર - સિદસર, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને સરદાર ધામ - અમદાવાદ આ છ સંસ્થાઓના ૧૦૦થી વધુ પ્રતિનિધિઓ એકત્ર થયા હતા.
આ સંસ્થાના કન્વીનર આર. પી. પટેલે જણાવ્યું કે, પાટીદાર સમાજના નામે હાર્દિક પ્રાઇવેટ આંદોલન ચલાવે છે, સમાજ તેને નહીં સ્વીકારે. સરકાર સાથે સમાધાન કરવું હતું ત્યારે ‘પાસ’ના કન્વીનર હાર્દિક પટેલે ઉપરોક્ત સંસ્થાઓને પત્ર લખીને મધ્યસ્થી કરવા કહ્યું હતું જેથી પાસ, એસપીજી અને અમો સૌ સરકાર સાથે સમાધાન બેઠકમાં ગયા. સરકારે તમામ મુદ્દે પ્રશ્નો ઉકેલવા બાંયધરી આપી. આંદોલન ત્યાં જ પૂર્ણ થઈ ગયું. એ પછી પણ હાર્દિક ચલાવ્યે રાખે છે કે અનામત નહીં મળે તો આંદોલન ચાલશે અને ભાજપને પાડી દો. તે કોંગ્રેસ સાથે બેઠકો યોજે છે. જેથી સ્પષ્ટ છે કે આ આંદોલન માત્ર રાજકીય રોટલા શેકવા માટેનું હતું. શા માટે ૧૪ યુવાનોને શહીદ કર્યાં?
આવો સવાલ ઉઠાવતા આર. પી. પટેલે ઉમેર્યું કે, હાર્દિક ઓબીસીના નામે આંદોલન શરૂ કર્યું. હવે તે ભૂલીને ભાજપ સામે પાટીદારોને ઉશ્કેરવા કોંગ્રેસનો હાથો બની રહ્યો છે. અમારું આંદોલન કે માગ રાજકીય હતી જ નહીં. પાટીદાર સારી રીતે જાણે છે કે કયા પક્ષમાં પ્રતિનિધિત્વ છે અને અન્ય સમાજ સાથે ભાઈચારો. આથી, અમે સૌ હાર્દિક અને પાસનો વિરોધ કરીશું.


