હાર્દિક પટેલે સમાજને ગેરમાર્ગે દોરવા સિવાય બીજું કશું જ કર્યું નથી. સાયકિક છે હાર્દિક. તેના આંદોલનમાં અસામાજિક તત્ત્વો પણ હતા જેમને પૈસા સિવાય બીજ કશાયમાં કોઈ રસ નહોતો તેમ પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા શિક્ષણદિન નિમિત્તેના ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, સરકાર હોય પ્રશ્નો પણ હોય અને તેનું નિરાકારણ પણ હોય. હાર્દિકનું આંદોલન કોઈ મુદ્દા વગરનું હતું.
• શિક્ષકદિને ૪૨ શિક્ષકોનું સન્માનઃ શિક્ષકદિને ગાંધીનગરમાં શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ મુખ્ય પ્રધાન, વિધાનસભા અધ્યક્ષ અને પ્રધાનોના હસ્તે પ્રત્યેક ૪૨ શિક્ષકને રૂ. ૫૧ હજાર, શાલ, તામ્રપત્ર આપીને સન્માનિત કરાયા હતા. ઉપરાંત જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ પ્રદાન કરનાર ૬૨ અને તાલુકા કક્ષાના ૧૩૨ શિક્ષકોને સન્માનિત કરાયા હતા. જેમાં જિલ્લાના શિક્ષકોને રૂ. ૧૫ હજાર અને તાલુકાના શિક્ષકોને રૂ. ૫ હજારનો પુરસ્કાર અપાયા હતા.
• બાળકો દત્તક લેવાના પ્રમાણમાં ઘટાડોઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ આ વખતે બાળકોને દત્તક લેવાના પ્રમાણમાં ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં ૧૩૮, ૨૦૧૪-૧૫માં ૧૫૩ અને ૨૦૧૫-૧૬માં ૧૨૩ બાળકોને ગુજરાતમાંથી દત્તક લેવાયા હતા. આમ, છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વખતે બાળકોને દત્તક લેવાના પ્રમાણમાં ૨૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ એનઆરઆઇ દ્વારા ગુજરાતમાંથી બાળકોને દત્તક લેવાના પ્રમાણમાં વધારો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
• મધ્ય પ્રદેશના ત્રણ ડાકુ પકડાયાઃ મધ્ય પ્રદેશના ભીંડ જિલ્લાના નયા ગામ પોલીસ સ્ટેશનમાં મર્ડર કેસના વોન્ટેડ ડાકુઓ જોરસિંગ ઉર્ફે માનસિંગ રામદાસ કુશ્વાહા (રહે. ઓઢવ), યોગેન્દ્ર ઉર્ફે દેવેન્દ્રસિંહ ભૂરેસિંહ કુશ્વાહા (રહે. નવલખા બંગલા) અને ચતુરસિહ ઉર્ફે બંબુ રામદાસ કુશ્વાહા (રહે. બાપુનગર)ને અમદાવાદમાં રહેણાંકના વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન તાજેતરમાં ઝડપી લેવાયા હતા. ડાકુઓએ અંગત અદાવતમાં તેમના વતનમાં રમેશસિંહ કુશ્વાહાનું મર્ડર કરીને લાશને જંગલમાં નાંખી હતી. આ ડાકુઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇને મધ્ય પ્રદેશ પોલીસને સોંપી દીધા છે.
• TP સ્કીમમાં હવે NAની જરૂર નહીં રહેઃ જ્યાં ટાઉન પ્લાનિંગ (ટીપી) સ્કીમ મંજૂર થઈ ગઈ હશે ત્યાં બાંધકામ કે વિકાસનાં કોઈપણ કામ માટે બિનખેતી (એનએ)ની મંજૂરી લેવી નહીં પડે તેવો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. વિજય રૂપાણી સરકારે એનએની પ્રક્રિયાને ઝડપી અને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે એવો મહત્ત્વનો નિર્ણય લીધો છે. જોકે, આ માટે શરત છે કે, અરજદાર જે જમીન ઉપર બાંધકામ કે વિકાસ પ્રક્રિયા કરવા માગતા હશે તે જમીન કોઈપણ પ્રકારની લીટીગેશન વગરની હોવી જોઈએ.

