ગાંધીનગરઃ પાટીદાર અનામત અને ખેડૂતોના દેવામાફી પ્રશ્ને ઉપવાસ આંદોલન કરનારા હાર્દિક પટેલે સાતમી સપ્ટેમ્બરે નેતા શરદ યાદવનું માન રાખી પાણી પીધું, પણ ઉપવાસ આંદોલન ચાલુ જ રાખ્યાં છે. વાસ્તવમાં હાર્દિક પટેલને પ્રશ્નોના ઉકેલ કરતાં રાજકીય તમાશો સર્જવામાં રસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસોથી પાટીદાર સમાજની ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓએ પણ હાર્દિકની તબિયતની ચિંતા કરીને રાજ્ય સરકાર સાથે મધ્યસ્થી માટે પ્રયાસો કરી જોયાં હતાં. પરંતુ, પોતે હવે રાષ્ટ્રીય નેતા બની ચૂક્યો હોવાના મિથ્યાભિમાનમાં રાચતા હાર્દિકે ખોડલધામ સહિતની પાટીદાર સંસ્થાઓ તથા તેના મોભીઓને પણ છોભીલા પાડી મધ્યસ્થી સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. હવે છેવટે હાર્દિકે જાતે જ હોસ્પિટલમાં દાખલ થઇ જવું પડ્યું હતું અને છેવટે આ પ્રકરણમાં પાટીદારોને કોઇ ફાયદો થયો નથી તેવો રોષભર્યો સૂર સમાજમાં ઉચ્ચારાઇ રહ્યો છે.
હાર્દિકે કદાચ એવી ગણતરીથી ઉપવાસ શરૂ કર્યા હતા કે તેના ઉપવાસને ટેકો આપવા સમગ્ર દેશભરમાંથી ભાજપ સિવાયના પક્ષોના રાષ્ટ્રીય નેતાઓ ઉમટી પડશે અને ગુજરાતના ગામેગામ પાટીદાર યુવાનોના ટોળાં તેનાં સમર્થનમાં રોડ પર ઉતરી આવશે. પરંતુ, તેવું કશું બન્યું ન હતું. કોંગ્રેસના કે અન્ય બિનભાજપ પક્ષોના પણ કોઇ રાષ્ટ્રીય કદના મોટા નેતાએ હાર્દિકની ઉપવાસ છાવણીની મુલાકાત લેવાની દરકાર કરી ન હતી. મોટાભાગના નેતાઓએ માત્ર સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. જીતનરામ માંઝી કે યશવંતસિંહા જેવા રાજકીય કારકિર્દીના અસ્તાચળ તરફ ધસી ચૂકેલા નેતાઓના સમર્થનથી હાર્દિકને કોઇ ખાસ મોટો રાજકીય ફાયદો પણ થતો દેખાયો ન હતો. કોંગ્રેસે હાર્દિકના ટેકામાં ધરણાંની જાહેરાત કરી હતી પરંતુ કોંગ્રેસના ધરણાંનો હેતુ હાર્દિક કે પાટીદાર સમાજને સમર્થન નહીં પરંતુ વિપક્ષ તરીકે પોતાની નોંધ લેવડાવવાનો જ વધારે હોવાથી આ ધરણાં કોઇ અસર ઉભી કરી શક્યાં ન હતાં.


