અમદાવાદઃ પાટીદાર આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલ સામે હવે તેના જ સાથીઓ અવાજ ઉઠાવી રહ્યા છે. સરદાર પટેલ ગ્રૂપના જિગર પટેલ અને પાટીદાર સંકલન સમિતિના કન્વીનર ડો. નચિકેત પટેલે જણાવ્યું છે કે, અનામત નીતિના કારણે ગુજરાતમાં પાટીદારોને અન્યાય થઈ રહ્યો છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી શાંતિપૂર્ણ માર્ગે અમારું આંદોલન ચાલુ જ રહેશે.
આર્થિક આધાર પર અનામત મળે તે માટે પણ સરકારે વિચારવું જોઈએ. આ આગેવાનોએ હાર્દિક પર નિશાન સાધતાં કહ્યું કે, તે રાજકીય હાથો બની રહ્યો છે. સરકાર ભલે કહે કે કોઈને અન્યાય નથી થતો પરંતુ હકીકત એ છે કે, અન્યાય તો થાય જ છે અને તેને દૂર કરવા વિચાર કરવો પડશે. અન્યાય દૂર થશે તો જ આંદોલન સમેટીશું. તોફાનો માટે હાર્દિક પટેલ જવાબદાર છે તેવા આક્ષેપ સાથે આ આગેવાનોએ કહ્યું કે, પાટીદાર યુવાનો એકે-૪૭ અને તલવારો વસાવે તેવા હાર્દિકના વિચારો નકસલવાદી છે, જેને સમિતિ વખોડે છે.
૨૫ ઓગસ્ટે જે આંદોલન થયું હતું તેમાં તમામ સંગઠનો સામેલ હતા જ્યારે સુરતના કાર્યક્રમમાં ૫૦૦નું ટોળું પણ હાર્દિક સાથે નહોતું. હાર્દિક પટેલ અને લાલજી પટેલ આમ તો આગેવાની લેતાં હોય છે પરંતુ પાટીદારોને આગેવાનોની નહીં બલ્કે કાર્યકરોની જરૂર છે.
• પાટીદારોને લાભ આપવા સરકાર સક્રિય બનીઃ અનામતના મુદ્દે મુખ્યપ્રધાન સાથે પાટીદાર આંદોલનકારીઓની બેઠક યોજાયા બાદ દસ દિવસની મહોલત હવે પૂર્ણ થવા જઇ રહી છે. પાટીદારોને મનાવવા શું કરવું તે માટે સરકાર વિચારણા કરે છે. પાટીદારો માટે આર્થિક પેકેજ માટે પ્રધાનો-ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠકો શરૂ થઇ છે. એટલું જ નહીં, પાટીદાર સમાજના નેતાઓના પણ ખાનગીમાં મંતવ્યો લેવાયાં છે. હવે સવાલ એ છેકે, સરકારના પેકેજને પાટીદારો સ્વીકારશે કે પછી આંદોલન સરકારની જાહેરાત બાદ વધુ વેગીલું બનશે. અત્યારે તો સૌ કોઇની નજર ગાંધીનગર પર છે. ૨૪ સપ્ટેમ્બરે સરકારની સમયમર્યાદા પૂર્ણ થતાં પાટીદારો જ નહીં ગુજરાતભરમાં એક ચર્ચા છેકે, હવે શું થશે.
• હાર્દિકનું પત્રકારો સાથે અસભ્ય વર્તનઃ અમદાવાદમાં સોમવારે સવારે ૧૧.૩૦ કલાકે હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. તે ૪૫ મિનિટ મોડા પડતાં પત્રકારોએ કહ્યું હતું કે, સમય પાલન કેમ કરવામાં આવતું નથી? ત્યારે તેણે પ્રશ્ન કરનારા નેશનલ ટીવી ચેનલના પત્રકારને કહ્યું હતું કે, ‘આમ જ ચાલશે, તમારે અહીં રહેવું હોય તો રહો, નહીંતર જતાં રહો’. આ જવાબ સાંભળીને પત્રકારોએ કહ્યું હતું કે, મોડા આવવા બદલ દિલગીરી દાખવવાના બદલે આવું તોછડું વર્તન કરો છો તે બરાબર નથી. પરિસ્થિતિને સમજવાના બદલે તેણે ચહેરા પર રોષના ભાવ બતાવીને કમર પર હાથ રાખી નાના બાળકની જેમ ઊભા રહેવાનું પસંદ કર્યું હતું. હાર્દિકના આ બેહૂદા વર્તનના વિરોધમાં પત્રકારોએ સામૂહિક તેનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હતું અને હાજર રહેલાં ૧૦૦થી વધુ પત્રકારો બહાર નીકળી ગયા હતા. જેમાં દેશભરની ૨૬ ટીવી ચેનલના પત્રકારો પણ ઘટનાસ્થળ છોડીને બહાર આવી ગયા હતા. બહાર આવી ગયેલાં પત્રકારોને સમજાવવા માટે હાર્દિકે બહાર દોડી આવી સમજાવવાની કોશિશ પણ કરી હતી.
• પાટીદાર આંદોલનને કારણે પ્રવાસી ઘટ્યાઃ છેલ્લા કેટલાક સમયથી પાટીદાર આંદોલન ઉગ્ર બન્યું છે. રાજ્યમાં શાંતિ સ્થાપવા સરકારના પ્રયાસ કારગત નિવડ્યા નથી. પાટીદારોની અનામત આંદોલન સક્રિય રહેતા ટ્રાવેલ્સ બિઝનેસને ભારે અસર પહોંચી છે. આની અસર તરણેતરના મેળામાં પણ જોવા મળી છે. મેળામાં નૂર જેવું દેખાતું નથી તેવું સ્થાનિકો લોકોનું માનવું છે. ગુજરાતમાં તોફાનો થવાના ભયને પગલે પ્રવાસીઓ ઘટયાં હોવાનું ટ્રાવેલ એજન્ટો કહે છે. જો આ જ સ્થિતિ રહી તો ટુરિઝમ બિઝનેસને ઘણો મોટો ફટકો પડે તેમ છે. ટુર-ટ્રાવેલ્સ એજન્ટોનું કહેવું છે કે, જન્માષ્ટમીમાં સોમનાથ, દ્વારકા જેવા યાત્રાધામોમાં હોટલ-ગેસ્ટહાઉસ ખાલી રહ્યા હતા.
• હાર્દિક પટેલની અટકાયત અને છુટકારોઃ પાટીદાર અનામતને મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલાં સમીકરણો વચ્ચે હાર્દિક પટેલ સહિતના આગેવાનોએ ૧૯ સપ્ટેમ્બરે સુરતથી એકતાયાત્રા કાઢવાનો પ્રયાસ કર્યો હતો. યાત્રા શરૂ થયા તે પહેલાં જ હાર્દિકની અટકાયત કરવામાં આવી હતી. દિવસભરની તંગદિલી બાદ મોડી રાત્રે હાર્દિક સહિત ૨૬ને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી મુક્ત કરાયા હતા.