ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ જે રીતે કડક અને કડવી ભાષા બોલે છે તેની સામે સમાજના જ એક મોટા જૂથમાં રોષ વ્યાપ્યો છે અને તેની ટીકા હવે જાહેર થઇ છે. પાટીદાર અગ્રણીઓ વજુભાઈ પરસાણા, એમ. એ. પટેલ વગેરેએ અમદાવાદના સોલા ઉમિયા કેમ્પસ ખાતે યુવાઓ સાથે એક બેઠક યોજી હતી. જેમાં હાર્દિક, ભગતસિંહના માર્ગે ચાલવાની ભાષા આંદોલન માટે બોલે છે તે યોગ્ય નહીં હોવાનો મત વ્યક્ત કરાયો હતો. તે સાથે હવે ઓબીસીમાં જ અનામતના બદલે અન્ય રીતે અનામત કે આર્થિક રીતે નબળા વર્ગને મદદ થાય તે માટે માગણી કરવાનું નક્કી કરાયું હતું. સમાજમાં જે વર્ગવિગ્રહ જેવી સ્થિતિ સર્જાઈ છે તે જોતા પાટીદાર સમાજ એકલો ન પડી જાય તે માટે અન્ય સવર્ણોને પણ સાથે રાખીને બધી બિનઅનામત જ્ઞાતિઓ માટે સામૂહિક લડાઈ કરવાની પણ અપીલ કરાઈ હતી.
પટેલ સમાજના અગ્રણીઓ અને અનેક યુવાનો ૨૫ ઓગસ્ટની મહારેલીમાં થયેલી હિંસા પછી હવે ધીમે ધીમે હાર્દિકથી અલગ રીતે આંદોલન કરવા માટેનો માર્ગ તૈયાર કરી રહ્યા છે. તેમને પટેલ સમાજની મુખ્ય સંસ્થાઓ અને અગ્રણીઓનો પણ ટેકો મળી રહ્યો હોવાનો દાવો પણ થયો હતો. વજુભાઈએ જણાવ્યું હતું કે, હાર્દિકને ઓબીસીમાં અનામતની વાત ન કરવા કહેવાયું હતું છતાં તે વાપરી રહ્યો છે. બિનઅનામત વર્ગનું આંદોલન બનાવવા પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે, બધાને સાથે લઈને ચાલીશું તો જ કંઈક મળશે. ડો. આંબેડકર દલિતોના બનીને રહી ગયા તેવી હાલત આપણે સરદાર પટેલની કરવાની નથી તેમ કહેતા વધુમાં જણાવ્યું હતું કે, ઓબીસી સમાજને પણ સાથે લઈને ચાલવામાં આવશે.