સુરતઃ રાજદ્રોહના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે કથિત માનસિક ત્રાસ સામે ૧૮મી ફેબ્રુઆરીથી લાજપોર જેલના સત્તાવાળાઓની પરવાનગી લઈને આમરણ ઉપવાસ શરૂ કર્યાં હતાં. લાજપોર જેલના સત્તાધીશો માનસિક ત્રાસ આપી રહ્યાં છે તેમજ તેના ટિફિનમાં કાંકરી તથા પાણી મેળવે છે તેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. તેવી અરજી પણ વકીલ દ્વારા સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જ્જને હાર્દિકે મોકલી હતી. એ પછી ૧૯મી ફેબ્રુઆરીએ તેની કથળેલી હાલતને પગલે હાર્દિકને સુરત સિવિલના પ્રિઝનર્સ વોર્ડમાં દાખલ કરાયો હતો અને તબીબી દેખરેખ દરમિયાન તેની તબિયત વધુ લથડતાં પોલીસે ૨૦મી ફેબ્રુઆરીએ તેને પાણી પીવડાવી દીધું હતું.
૧૯મીએ તેની પલ્સ, બીપી, કિટોનબોડીઝ, ગ્લુકોઝ ચેક થતું રહ્યું અને મોનિટરિંગ ચાલુ હતું. ૧૯મીએ જ રાત્રે એસીટોનનું પ્રમાણ વધુ હતું તેથી ચક્કર અને પેશાબની તકલીફ તેને હતી અને ૨૦ કલાકની સારવાર દરમિયાન એસીટોનનું પ્રમાણ ઘટ્યું જતું હતું તેથી તેને ૨૦મી તારીખે પોલીસ દ્વારા પાણી આપવામાં આવ્યું હતું.
હાર્દિક આમરણ ઉપવાસ પર ઉતરતાં જ પાસનો કન્વિનર નિખિલ સવાણી પણ સુરતમાં પોતાના ઘરે આમરણ ઉપવાસ પર ઉતર્યો હતો અને ૨૦મીએ સાંજે તબિયત લથડતાં તેને પણ કાપોદ્રા પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, તેણે સારવાર લેવાનો ઈનકાર કરતાં તબીબો મૂંઝવણમાં મુકાયા હતાં. તેને સમજાવવામાં આવતા આખરે ટ્રીટમેન્ટ શરૂ કરાઈ હતી.
બીજી તરફ ત્રણેક મહિનાથી પાસના અગ્રણીઓ જેલવાસ ભોગવી રહ્યા છે. ત્યારે સરકારે પણ બાંધછોડની નીતિ અપનાવી છે તો હાર્દિક એન્ડ કંપની અનામતથી ઓછું કંઈ ન ખપે એવી જીદ પર અડગ રહી છે. અનામત મુદ્દે સરકાર સાથે લવાદ માટે પાટીદાર અગ્રણી જેરામ પટેલની આગેવાનીમાં એક ટીમ પણ બનાવાઈ છે. આ ટીમ ઉપર ભરોસો રાખવા કે સમાધાન અંગે હાર્દિક મૂડમાં જણાતો નથી. જોકે સાબરમતી જેલમાં રહેતાં તેના સાથીદારોએ સમાધાનકારી વલણના સંકેત જેરામને આપ્યાનું તેમણે જણાવ્યું છે. જ્યારે થોડા દિવસ બાદ હાર્દિક પટેલને પણ મુક્ત કરાશે તેવું પણ અનામત મુદ્દે પાટીદારો અને ગુજરાત સરકાર વચ્ચે મધ્યસ્થી બનેલા જેરામ પટેલે કહ્યું છે.


