પાટીદાર સમાજના કન્વીનર હાર્દિક પટેલ પર સુરત પોલીસે લગાવેલી રાજદ્રોહની કલમ હટાવવા માટે હાર્દિકે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને કોર્ટે હાર્દિક સામેની રાજદ્રોહની કલમની યોગ્ય જ ઠેરવી છે જોકે, કોર્ટે હાર્દિક સામેની બીજી કલમ ૧૫૩-એ અને ૫૦૪ હટાવવાનો આદેશ કર્યો છે. સુરત પોલીસ દ્વારા હાર્દિક સામે વિપુલ દેસાઈને મરવાને બદલે પાંચ -સાત પોલીસવાળાને મારવાની સલાહ આપી હોવાનો આક્ષેપ કર્યો છે. વિપુલને અંગત રીતે કહેવાયેલી વાતની વીડિયોગ્રાફી કરી મીડિયામાં ફેલાવી હતી. હાર્દિક વતી કોર્ટમાં કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, તે આંદોલન ચલાવતો હોવાથી તેની સામે આવી ફરિયાદ કરાઈ છે. ચાર - પાંચ પોલીસને મારવાની વાત કરી તેમાં ભારતની સત્તા ઉથલાવવાની વાત નહોતી, પરંતુ કોર્ટે નોંધ્યું કે હાર્દિક પર રાજદ્રોહની કલમ એવી રીતે મુકાઈ છે કે કોઈ વ્યક્તિ સરકાર પ્રત્યે ધિક્કાર અથવા તિરસ્કાર કે અનાદર પેદા કરવાની કોશિશ કરે તો તેના પર પ્રાથમિક દૃષ્ટિએ રાજદ્રોહનો કેસ બને. કોર્ટે આ ગુના સબબ હાર્દિકને આજીવન કેદની સજા થઈ શકે એવું પણ જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે, આ બિનજામીનપાત્ર ગુનો છે અને સેશન્સ ટ્રાયેલબ છે. જોકે આ બધા વચ્ચે જુદા-જુદા વર્ગો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાની હાર્દિક પર લગાવાઈ કલમ ૧૫૩-એ અને ૫૦૪ રદ કરાશે.
આ હાર્દિક પરથી રાજદ્રોહના ગુનાને હટાવોના નારા સાથે ગુજરાતમાં છૂટા છવાયા દેખાવો સાથે પાટીદારોએ આવેદનપત્ર પાઠવ્યું છે અને હાર્દિકને છોડાવવા ત્રણ પાટીદાર યુવાનોએ આપઘાતની ચીમકી આપી છે તો બીજી તરફ હાર્દિક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પોલીસ પરિવારે માંગણી કરી છે. ૨૪મી ઓક્ટોબરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાર્દિકને સાત દિવસ માટે રિમાન્ડ પર લેવાયા બાદ માહિતિ બહાર આવી છે કે
ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનાથી અનામત આંદોલન ચલાવી રહેલા અને હાલ રાજદ્રોહના ગુનામાં રહેલો અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ રાજ્યના ચાર ભાજપી નેતાઓ સહિત વીએચપીના પ્રવીણ તોગડિયા અને પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના સતત સંપર્કમાં હતો. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે હાર્દિક અને પાસના અન્ય ત્રણ લીડરોના ફોન રેકોર્ડમાંથી આ માહિતી બહાર આવી છે. જેમાંથી હાર્દિક ભાજપના ટોપ નેતાઓ સાથે સતત ફોનથી સંપર્કમાં હતો. આ નેતાઓમાં પરષોત્તમ રૂપાલા, ગોરધન ઝડફિયા, નરોત્તમ પટેલ, એ. કે. પટેલ, વીએચપીના પ્રવીણ તોગડિયા અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું નામ હોવાની વાત છે. ઉલ્લેખનીય છે કે, જે તે સમયે આ નેતાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીક હતા અને પછી દૂર જતા રહ્યા હતા.
સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે, હાર્દિક, દિનેશ પટેલ, ચિરાગ પટેલ અને કેતન પટેલ પણ આ ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં હતા અને તેમાંથી એક તો પાસના ઉદયથી જ તેમના સંપર્કમાં હતા. આ લીડરો સાથે રોજ આઠથી દસવાર વાત થતી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ અંગેની માહિતી ગુજરાત સરકારને પણ આપી હોવાનું જાણવા મળ્યું છે.
જોકે, ક્રાઇમ બ્રાંચ અને સરકાર આ નેતાઓના નામ જાહેર કરવા કે નહીં તેની મૂંઝવણમાં છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, તેઓ તેમના નામ જાહેર કરે, ત્યાર બાદ તેઓનું નામ આરોપી તરીકે આવે અને તેમની ધરપકડ થાય તો પાર્ટીની છબી ખરડાવાનો તેમને ભય છે.