હાસ્યની છોળો અને છબરડાઓ સાથે પાંચ પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યોનો ભાજપપ્રવેશ

Tuesday 30th June 2020 15:07 EDT
 
 

ગાંધીનગરઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ૮ પૂર્વ ધારાસભ્યોમાંથી પાંચ પૂર્વ ધારાસભ્યોનો ૨૭મી જૂને કમલમ્ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ ‘પ્રવેશોત્સવ’ યોજાયો હતો. ભાજપમાં જોડાનારા પૂર્વ ધારાસભ્યોમાં પ્રદ્યુમનસિંહ જાડેજા (અબડાસા), જે વી કાકડિયા (ધારી), જીતુ ચૌધરી (કપરાડા), અક્ષય પટેલ (કરજણ) અને બ્રિજેશ મેરજા (માળિયા-મિયાણા)નો સમાવેશ થાય છે.
કમલમમાં હુરિયો બોલ્યો
અગાઉ ભાજપમાં કોઇ નેતા કે નાના કાર્યકર્તા પણ જોડાય તો સૂત્રોચ્ચાર થતાં. તાળીઓના ગડગડાટ સંભળાતાં, પણ આ કાર્યક્રમમાં પૂર્વ કોંગ્રેસી નેતાઓના છબરડાને લીધે હાસ્યની છોળો ઉડી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં રમૂજી દૃશ્યો સર્જાયા હતા. સૌ પ્રથમ તો કરજણના અક્ષય પટેલે ભાજપ પ્રવેશ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાનો આભાર માન્યો હતો. ખરેખર તેમને અમિત શાહ કહેવાનું હતું. આ તરફ આ પૂર્વ ધારાસભ્યોને માધ્યમોના પ્રતિનિધિઓએ કોરોના શું છે? ભાજપનું કોંગ્રેસીકરણ જેવાં પ્રશ્નો કર્યાં? એ વખતે તેમના જવાબો વખતે સમારોહમાં પાછલી હરોળમાંથી કોંગ્રેસી લોકોના આગમનથી કંટાળેલાં ભાજપના જ લોકોએ તાળીઓ પાડી અને આ ધારાસભ્યોનો હુરિયો બોલાવતા ચીચીયારીઓ પાડી હતી.
કમલમ્ બહાર વિરોધ
આ કાર્યક્રમ વખતે કમલમની બહાર યુવાનોએ દેખાવો કર્યાં હતાં. બિનસચિવાલય ક્લાર્ક ભરતી મામલે લડત ચલાવતા યુવરાજસિંહ જાડેજા અને દિનેશ બાંભણિયા સહિતના યુવકોએ ભરતી કરવા અને શાળાની ફી માફી માગ સાથે પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કર્યો હતો. બીજી તરફ ભાજપમાં જોડાયેલા નેતાઓનાં વિસ્તારમાં તેમનો વિરોધ શરૂ થયો છે. કેટલાક સામાન્ય મતદારોએ આ નેતાઓએ પોતાના વિસ્તારમાં આવવું નહીં તેવા પાટિયા લગાવી દીધાં છે.
કોંગ્રેસ સારો પક્ષ!
પૂર્વ કોંગ્રેસી જે. વી. કાકડિયાએ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને મુખ્ય પ્રધાન ગણાવી દીધા હતા. તેમણે એવું પણ કહ્યું કે કોંગ્રેસ સારો પક્ષ છે અને ભાજપ છોડી તેઓ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે. જીભ લપસી ગયા પછી તેમણે ભૂલ સુધારી હતી.
હાઇકમાન્ડ નિર્ણય લેશે
પ્રદ્યુમનસિંહ જાડેજા, જે વી કાકડિયા અને બ્રિજેશ મેરજાએ તેમને ટિકિટ મળશે જ તેવો દાવો કર્યો છે, પરંતુ પક્ષપ્રમુખ વાઘાણીએ કહ્યું હતું કે, ટિકિટ મળી જશે એવું ન હોય. આ મુદ્દો હાઇકમાન્ડ જ નક્કી કરશે. કોઇને ટિકિટનો વાયદો કરાયો નથી.
સત્તા પક્ષમાં હો તો...
કોંગ્રેસના આ ધારાસભ્યોએ ભાજપમાં જોડાયા અગાઉ કમલમ્ પર પ્રવચનમાં કહ્યું કે પહેલાં વિપક્ષમાં હતા એટલે અમારા વિસ્તારમાં વિકાસના કામ થતાં નહોતા પણ હવે થશે. સત્તા પક્ષમાં હો તો જ લોકહિતના કામ થઈ શકે. આ મુદ્દે વાઘાણીને બચાવ કરવો પડ્યો કે ભાજપ સરકાર બધા વિસ્તારના કામ કરે છે.
જોડાણ રૂ. ૫૦ કરોડમાં
આ પાંચ ધારાસભ્યો અને બીજા ત્રણ જે કદાચ પછીથી જોડાય, એ ગુજરાતની જનતાને અંદાજે રૂ. ૫૦ કરોડમાં પડશે. તેમની જગ્યા ખાલી પડતાં આગામી સમયમાં પેટાચૂંટણી થશે અને આ આઠેય બેઠક પર અંદાજે રૂ. ૫૦ કરોડ ખર્ચાઇ જશે અને એ ખર્ચ પણ જનતાના ખિસ્સામાંથી ઉઘરાવાયેલાં કરવેરામાંથી ચૂકવાશે. પણ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી કહે છે કે લોકશાહીમાં આવી પ્રક્રિયા થતી રહે છે. તેમાં આવી બાબત જોવાતી નથી. જોકે વાઘાણી એ ભૂલી ગયા કે આ આઠ બેઠકો કુદરતી સંજોગોને કારણે નહીં, પણ માનવસર્જિત યોગોને કારણે ખાલી પડી હતી.
કોંગ્રેસમાં અમારું અસ્તિત્વ જ નહીંઃ અક્ષય પટેલ
અક્ષય પટેલે પ્રતિક્રિયામાં જ અમિત શાહના નામની જગ્યાએ અમિત ચાવડાનો ઉલ્લેખ કરતાં સભાખંડમાં હાસ્યનું મોજું રેલાયું હતું. ભૂલથી નામનો ઉલ્લેખ થતાં તેઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. આ તબક્કે તેમણે કોંગ્રેસની આંતરિક સ્થિતિ ખરાબ હોવાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો અને તેના કારણે કોંગ્રેસ સાથે તેઓ રહેવા તૈયાર નહીં હોવાનો સ્વીકાર કર્યો હતો. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે વિપક્ષ કોંગ્રેસમાં ધારાસભ્યોનું કોઈ અસ્તિત્વ જ નથી, જેથી આ નિર્ણય કરવો પડ્યો છે. ભાવિમાં મારા મત વિસ્તારમાં પ્રજાના કામો કરી શકીશું.
વાહક બનીને જાતને ઓગાળી દઈશઃ મેરજા
બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી પાર્ટીમાં જોડાવાથી હવે મને વિકાસના કામ કરવાનો અવસર મળ્યો છે. એટલું જ નહીં હું જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી સાથે સંકલન સાધીને કામ કરાવ્યા છે. હું એક વાહક બનીને જાતને ઓગાળી દઈશ. જો કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાના વિધાનોથી તેમની સાથે આવેલા કાંતિભાઇ અમૃતિયા, મોહન કુંડારિયા, જયંતિ કવાડિયા સહિત ભાજપના કેટલાક નેતાઓ સહિતના અન્ય હોદ્દેદારો પોતાનું હાસ્ય રોકી શક્યા ન હતા.
કેમ પક્ષપલટો? જવાબ ન આપી શક્યા ચૌધરી
જીતુ ચૌધરીએ પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, હું છેલ્લા ૧૭ વર્ષથી કોંગ્રેસમાં છું, પરંતુ હું પ્રજાના કામ કરી શકતો નહોતો. ગુજરાતમાં છેલ્લો તાલુકો મારા મત વિસ્તારમાં આવે છે અને તે વિકાસથી વંચિત રહ્યો છે. એટલે જ મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ તબક્કે તેમને પ્રશ્ન થયો કે ૧૭ વર્ષની વફાદારી અચાનક કેમ છોડી? જેનો ઉત્તર તેઓ આપી શક્યા ન હતા.
‘અત્યારના નેતાઓના વહીવટો છેલ્લી કક્ષાના’
જે વી કાકડિયાએ જણાવ્યું હતું કે, ભાજપમાં હું વફાદારી અને સિદ્ધાંતો સાથે નિયમોનું પાલન કરીશ, પરંતુ અત્યારના જે નેતાઓ છે તેમના વહીવટો છેલ્લી કક્ષાના હોવાનું કહેતા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિત તમામ નેતાઓ સ્તબ્ધ થઇ ગયા હતા. જોકે કેવા પ્રકારના વહીવટ થાય છે? તેવું વારંવાર પૂછતા તેમણે ઉત્તર આપવાનું ટાળ્યું હતું. તેમણે અંતે એમ કહ્યું હતું કે કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે કેટલાક ધારાસભ્યો ચરણોમાં રહીને ટિકિટો મેળવે છે. જોકે જેવી કાકડિયાના આ વિધાનથી પ્રદેશ કાર્યાલયમાં ઉપસ્થિત નેતાઓ અને અન્ય હોદ્દેદારોમાં નવી ચર્ચા જગાવી હતી.
ભાજપનો જ સૈનિક હતોઃ પ્રદ્યુમનસિંહ જાડેજા
પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હું ભાજપનો જ સૈનિક હતો, પરંતુ અમુક લોકોની વાતોમાં આવી જતાં મારે કોંગ્રેસમાં જોડાવું પડ્યુ હતું. હવે મારા મતક્ષેત્રમાં વિકાસ થાય તે હેતુથી હું ભાજપમાં જોડાયો છું.




to the free, weekly Gujarat Samachar email newsletter