અમદાવાદઃ જુલાઈ માસથી જ એક પછી એક નાના-મોટા હિન્દુ પર્વોની વણઝાર શરૂ થઇ ગઈ છે. ૧૫ જુલાઇના રોજ દેવપોઢી એકાદશીની સાથે લગ્નસરાની સિઝન પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે, પણ હિન્દુ ચાતુર્માસની શરૂઆત સાથે હિન્દુ પર્વોની મોસમ શરૂ ગઈ છે. ૧૮મીથી જૈન ચાતુર્માસનો આરંભ થયો છે. દેવઊઠી અગિયારસ સુધી ૪ મહિનાના સમયગાળામાં નાના-મોટા ૨૩ પર્વો ઉજવવામાં આવશે.
ચાતુર્માસને લઇને હાલમાં જૈન સમુદાયમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. વર્ષ વેળાએ ઠેરઠેર વિહાર કરતા જૈન સાધુ-સંતો જીવદયા માટે જ ચાતુર્માસમાં વિહાર બંધ કરીને ઉપાશ્રય, સંઘમાં સ્થિર થાય છે. ચાતુર્માસ એટલે કે ચોમાસાના સમયગાળામાં જીવોત્પત્તિને જોતાં સાધુ-સંતો એક ઠેકાણે સ્થિર થતા હોઈ શ્રાવકોને જીનવાણી, ઉદ્દેશ, નિશ્રાનો લાભ મળે છે, જેને કારણે ચાતુર્માસ વેળાએ ઉપાશ્રય, સંઘોમાં શ્રાવકોની ચહલપહલ વધી જાય છે.
ઓગસ્ટમાં એક પછી એક સાત નાના-મોટા પર્વોની રંગારંગ ઉજવણી થશે. તેમાં હિન્દુ સમુદાયમાં ભારે મહત્ત્વ ધરાવતા શ્રાવણ માસ, રક્ષાબંધન અને જન્માષ્ટમી, જૈનોમાં મહાત્મ્ય ધરાવતા પર્યુષણ પર્વનો સમાવેશ થશે.
ઉપરાંત, સપ્ટેમ્બર માસમાં જૈન સંવત્સરી, ગણેશ ચતુર્થી અને અનંત ચૌદશની રોનક દેખાશે. ગણેશોત્સવ વેળાએ ૧૦ દિવસ સુધી સઘળું ગણેશમય થઇ જશે. વળી, ઓક્ટોબર માસમાં નવરાત્રિ, દિવાળી જેવા મોટા પર્વોની ઝાકમઝોળ દેખાશે. એટલું જ નહીં, ઓક્ટોબરના એક મહિનામાં જ ૮ પર્વોને કારણે દર ત્રીજા દિવસે પર્વની રોનક દેખાશે. ૩૦ ઓક્ટોબરે દિવાળી અને ૩૧ ઓક્ટોબરે નૂતન વર્ષની ભવ્ય ઉજવણી થશે. જ્યારે ૧૪ નવેમ્બરે દેવદિવાળી, ચાતુર્માસ સમાપ્તિની સાથે જ હિન્દુ પર્વોની મહત્ત્વની મોસમ પણ અલ્પવિરામ મુકાશે. આમ, હવે ચાતુર્માસ બાદ ૪ મહિનામાં ૨૩ નાના-મોટા પર્વોની રોનક છવાશે.
હિન્દુ સમુદાયના પર્વો પર નજર
ઓગસ્ટ: શ્રાવણ માસ શરૂ (૩), શીતળા સાતમ (૯), રક્ષાબંધન (૧૮), નાગપંચમી (૨૨), જન્માષ્ટમી (૨૫), મટકીફોડ-ગોવિંદા (૨૬), પર્યુષણ શરૂ (૨૯)
સપ્ટેમ્બર: જૈન સંવત્સરી (૫), ગણેશ ચતુર્થી (૫), અનંત ચૌદશ (૧૫)
ઓક્ટોબર: નવરાત્રિ શરૂ (૧), દુર્ગાષ્ટમી (૯), દશેરા (૧૧), કરવાચોથ (૧૯), પુષ્યનક્ષત્ર (૨૩), ધનતેરસ (૨૮), દિવાળી (૩૦), નૂતન વર્ષ (૩૧)
નવેમ્બર: ભાઇબીજ (૧), જલારામ જયંતી (૭), દેવદિવાળી-ચાતુર્માસ પૂર્ણ (૧૪)

