ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ૧૧મી નવેમ્બરે જીસીસીઆઈમાં બ્રિટન યુરોપિયન યુનિયનથી અલગ થવાને કારણે ગુજરાતના વેપાર ધંધા શી અસરો થશે? તે અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રિટનના હાઉસ ઓફ લોર્ડ્ઝના સભ્ય લોર્ડ ભીખુ પારેખ અને ભારત ખાતેના બ્રિટીશ ડેપ્યુટી હાઇ કમિશનર મિ. જ્હોફ વેઈને પોતાનો મત રજૂ કર્યો હતો.
લોર્ડ ભીખુ પારેખે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, હું અંગત રીતે બ્રેક્ઝિટની વિરુદ્ધ છું. યુનાઇટેડ કિંગડમ યુરોપિયન યુનિયનનો હિસ્સો બની રહે તે તેના હિતમાં રહેશે. EUમાંથી બ્રિટનની એક્ઝિટ થાય છે કે નહીં અને તે કઇ શરતોને આધીન થાય છે તે ભાવિ નીતિઓ પર આધારિત છે. એક્ઝિટ થવાનો નિર્ણય લેવાતા હજુ ઓછામાં ઓછા ત્રણથી ચાર વર્ષનો સમય લાગી શકે છે. આ સમય વેપાર-ઉદ્યોગ માટે અનિશ્ચિતતાનો હશે.
બ્રિટન કેવા પ્રકારના નેગોશિયેશન બાદ યુરોપિયન યુનિયનમાંથી વિદાય લે છે તેના પરથી તેની અસરો જાણી શકાશે. તેમણે કહ્યું હતું કે, સંઘના સભ્ય તરીકે કહીશ કે EU જે મહત્ત્વ ધરાવે છે તે મહત્ત્વ એકલું બ્રિટન વિશ્વ કક્ષાએ નહીં મેળવી શકે. બ્રિટનને સાંસ્કૃતિક નુકસાન પણ થઈ શકે. બ્રેક્ઝિટ અંગેના રેફરેન્ડમમાં ૫૨ ટકા લોકોએ યુરોપિયન યુનિયનથી અલગ પડવાનો મત આપ્યો હતો તેની સામે ૪૮ ટકાએ યુનિયનમાં રહેવા મત આપ્યો હતો. એ દર્શાવે છે કે લગભગ અડધી વસ્તી અલગ વિચારો ધરાવે છે. લોકશાહીમાં બહુમતી મત માન્ય રાખવામાં આવે તે બરાબર છે, પરંતુ ૪૮ ટકા લોકોના વિચારોને અવગણવા પણ શક્ય નથી. ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થશે અને હાલમાં બ્રેક્ઝિટ અંગે નવા રેફરેન્ડમની પણ માગ ઊઠી છે.
તેમણે જણાવ્યું હતું કે ઇમિગ્રેશન મૂવમેન્ટ પર અંકુશ તથા ફ્રી ટ્રેડ સહિતના મુદ્દે વાટાઘાટોની શક્યતા છે. બ્રિટન યુરોપિયન સંઘનો ભાગ હોવાથી બ્રિટનમાં રોકાણ કરનારી અનેક કંપનીઓને બ્રિટન સરકાર દ્વારા પ્રોત્સાહન મળે એવું કહેવાય છે, પરંતુ કઇ કઇ કંપનીઓને પ્રોત્સાહન મળી શકે તે પણ વિચારવાની બાબત છે. જો બ્રિટન યુરોપિયન સંઘથી અલગ દેશ તરીકે આવશે તો તેની પાસે ભારત સાથેનો વ્યાપાર વધારવાની તક હશે અને તે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મહત્ત્વનું રોકાણ કરી શકે છે. જીસીસીઆઇની એનઆરજી કમિટીના ચેરમેન કે. એચ. પટેલે જણાવ્યું હતું કે, બ્રિટનમાં ૮૦૦ જેટલી ભારતીય કંપનીઓ છે, જે લગભગ ૮ લાખ લોકોને રોજગારી આપે છે. બ્રેક્ઝિટની ગુજરાતના વેપાર-ઉદ્યોગ પર નોંધપાત્ર અસર જોવા મળશે કારણ કે ભારત અને બ્રિટન વચ્ચે વાર્ષિક ૨૫ અબજ ડોલરનો દ્વિપક્ષીય વ્યાપાર છે


