હું તો શું મારો પુત્ર મહેન્દ્રસિંહ પણ ભાજપમાં જોડાવાનો નથીઃ શંકરસિંહ

Friday 31st March 2017 05:02 EDT
 
 

અમદાવાદઃ પંજાબમાં સત્તા-વિરોધી લાગણીને કારણે કોંગ્રેસ જે રીતે સત્તા પર આવી તેનું પુનરાવર્તન ગુજરાતમાં કરવું હોય તો જે રીતે કેપ્ટન અમરિન્દર સિંઘને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી ચૂંટણી માટે ફ્રિ-હેન્ડ આપવામાં આવ્યો તેવી રીતે ગુજરાતમાં પણ કોઇ એક વરિષ્ઠ નેતાને વિધાનસભા ચૂંટણી માટે ફ્રિ-હેન્ડ આપવો જોઇએ એવો મત ૩૦મીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ વ્યક્ત કર્યો હતો. આ અંગે ટૂંક સમયમાં જ હાઇકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવશે એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, આમ કરવાથી કોઇ એક નેતાની જવાબદારી નક્કી થાય છે. જે ચૂંટણીમાં પક્ષના સારા દેખાવમાં પરિણમે છે.

પોતે ભાજપામાં જોડાવવાની અટકળોને સ્પષ્ટ રદિયો આપતાં શંકરસિંહે જણાવ્યું હતું કે, ભાજપ પ્રત્યે મારું દિલ લોક થઇ ગયું છે એટલે એમાં જોડાવવાનો કોઇ પ્રશ્ન ઊભો થતો નથી. ભાજપ તરફથી આવી કોઇ વાત થતી હોય તો એ તેનો એકતરફી પ્રેમ છે, બાકી હું તો શું મારા પુત્ર મહેન્દ્રસિંહ પણ ભાજપમાં જોડાવાના નથી.

ગુજરાતમાં વહેલી ચૂંટણીની અટકળો અંગે વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, ૧૦મી જૂન પછી ચોમાસું બેસતું હોવાથી કોઇ કાળે ચૂંટણી થઇ શકે નહીં અને આ તારીખ પહેલાં ચૂંટણી યોજવી હોય તો મોડામાં મોડી ૧૫ એપ્રિલ સુધીમાં ચૂંટણી પંચે જાહેરાત કરવી પડે. જોકે આ અંગે સ્પષ્ટ મત આપવાનું તેમણે ટાળ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter