અમદાવાદમાં ચાલી રહેલા ૩૬મા સપ્તક સંગીતોત્સવના બીજા દિવસે અંતિમ ચરણમાં સંગીત માર્તંડ પદ્મવિભૂષણ પંડિત જસરાજજીએ સુમધુર કંઠ્યગાન રજૂ કર્યું હતું. તેમણે સૌ પ્રથમ વિષ્ણુ સ્તુતિથી ચરણની શરૂઆત કરી હતી અને પછી બડા ખયાલની બંદીશ ‘પ્રીત મોરી લાગ રહી’ તથા મધ્ય લયમાં તીન તાલની સંગત સાથે ‘નેક ક્રિપા કર આઈએ’થી શ્રોતાઓને ડોલાવ્યા હતા.
કાર્યક્રમના અંતે ‘ગિરધર ગોપાલ દામોદર’થી કાર્યક્રમની સમાપ્તિ થઈ હતી. શાસ્ત્રીય સંગીતના જાણકારો ન હોય તે પણ પંડિતજી જ્યારે સૂરો છેડે ત્યારે તેમની ગાયકી સાથે કેવી રીતે તાદાત્મય સાધી શકે છે એની પાછળનું રહસ્ય એ છે કે પંડિતજી શાસ્ત્રીય ગાયન પણ એ રીતે રજૂ કરે છે કે ક્લાસિકલ મ્યુઝિકના જાણકાર ન હોય તેઓ પણ તેમની ગાયકીનો આનંદ લઈ શકે અને તેમની ગાયકીમાં ખોવાઈ જાય. પંડિતજી સ્વયં આ વિશે કહે છે કે, હું જે પણ રજૂ કરું, ગાઉં એ સામાન્ય માણસ ન માણી શકે એવી પંડિતાઈ શા કામની? એવું સંગીતનું જ્ઞાન મારા માટે શા કામનું? તેથી જ અન્યને શાતા આપે એવું ગાયન જ રજૂ કરવાનો હું પ્રયત્ન કરું છું. જોકે એની પાછળ પણ હું ઘણી મહેનત કરું છું.
પંડિતજી સાથે સંગીત અને સંગીતની સાધના વિશેની આવી કેટલીક વાતોનો અવસર ગુજરાત સમાચારને મળ્યો અને કળી શકાય કે, એક સામાન્ય માણસમાંથી સંગીત માર્તંડ બનવાની એમની સફરમાં સંગીત અને માણસો પ્રત્યેના એમના અભિગમથી જ તેઓ આ કક્ષાએ છે.
આપ સંગીતજ્ઞ છો અને સંગીત વિશે આપથી વિશેષ કદાચ જ કોઈ જાણી શક્યું હશે ત્યારે પૂછવાનું થાય કે સંગીત શું છે?
સંગીત બહુ વિશાળ સમુદ્ર છે. એ સમુદ્રમાંથી તમારે શું પ્રાપ્ત કરવું છે એ તો તમારે નક્કી કરવાનું હોય છે. અલબત્ત, એ નક્કી કરવું પણ બહુ મુશ્કેલ છે એટલે તમને સંગીતમાંથી જે પ્રાપ્ત થાય એ મેળવી લો. ચંદ શબ્દોમાં કહું તો સંગીત આત્મા સાથે તારું મિલન કરાવે છે અને આત્મા સાથે જે મિલન કરાવે એવા સંગીતને સાંભળો. હું કોઈ પણ કાર્યક્રમમાં ગાયકી પ્રસ્તુત કરતી વખતે પંડિતાઈને વચ્ચે લાવતો નથી. સામે બેઠેલો શ્રોતા બસ સંગીતને સમજી શકે, માણી શકે અને તેમાં ખોવાઈને તેના આત્માને શાંતિ મળી શકે એ મારો પ્રયાસ હોય છે. આ પ્રકારે ગાયન રજૂ કરવા માટે ખરેખર બહુ મહેનત લાગે છે જે હું કરું પણ છું.
ચોક્કસ પ્રકારનું જ સંગીત કે ગાયકી આપી શકો એવી કોઈ પૂર્વતૈયારી આપ કરો છો?
આયોજન સાથે ગાયન મારાથી શક્ય બનતું જ નથી. જો હું આયોજનબદ્ધ રીતે ગાયન કરવાની ઇચ્છા રાખું તો ઉપરથી મારાથી ગડબડ ગોટાળો થઈ જાય છે. બલકે આજ સુધી મેં જીવનમાં ક્યારેય આયોજન કર્યું જ નથી. હું ગાયક છું અને ગાયન જ કરી જાણું છું આયોજન નહીં.
આપની ગાયકી અને સંગીત અન્યોને ડોલાવી શકે છે તેમને જકડી રાખે છે, પણ તમને કોની ગાયકી – સંગીત સાંભળવું ગમે છે?
કોઈ ચોક્કસ વ્યક્તિને કે ચોક્કસ પ્રકારના સંગીતને જ સાંભળવું આમ તો મારી આદત નથી. પ્રકૃતિના કણેકણમાં સંગીત સમાયેલું છે. તમારી પાસે એ પરખવા માટેની શક્તિ હોવી જોઈએ. હું એવું સંગીત પણ સાંભળું છું. આ ઉપરાંત કોઈ મને કહે કે જે તે વ્યક્તિનું કંઈક સાંભળવા જેવું છે તો એ હું સાંભળું. એના માટે સમય કાઢીને પણ સાંભળું. હું ૮૬ વર્ષનો વિદ્યાર્થી છું. કોઈ યુવા પાસેથી પણ સંગીત વિશે કંઈક શીખવા જેવું લાગે તો હું એની ગાયકી કે સંગીત સાંભળીને કંઈક નવું શીખવા પ્રયત્ન કરું છું.
નવી પેઢીના સંગીતકારો – ગીતકારો વિશે આપનું શું કહેવું છે?
પંડિત કિશન મહારાજના દોહિત્ર શુભ મહારાજનું તબલાવાદન કે અમદાવાદના જ અનિકેત ખાંડેકરને જ્યારે સાંભળું ત્યારે થાય છે કે, યુવા કલાકારો જે સમર્પણ ભાવ સાથે સંગીતને વરેલા છે તેનાથી સંગીતનું ભવિષ્ય અત્યંત સુરક્ષિત છે. હું એમને જોઈને જોઈને સંતોષ અનુભવું છું.
ગુજરાત સાથે તમારા સંબંધ વિશે કંઈક જણાવોને?
ચોક્કસ, ગુજરાતીઓ સંગીતપ્રિય છે એટલે જ તો દર વર્ષે સપ્તકમાં એક પણ ખુરશી ખાલી નથી હોતી. લોકલાગણીને માન આપીને હું ખેંચાઈને હંમેશાં સપ્તકમાં આવું છું. પર્ફોર્મ કરું છું. હવે તો હું થોડું થોડું ગુજરાતી પણ બોલું છું. એ મારા સારંગીવાદક મિત્ર સુલતાન ખાનની દેન છે.
દર વર્ષે પહેલી જાન્યુઆરીથી તેરમી જાન્યુઆરી દરમિયાન યોજાતા સપ્તક સમારોહમાં વિશ્વવિખ્યાત દિગ્ગજ ગાયક-સંગીતકારો પર્ફોર્મ કરે છે. આ વર્ષે અમૃત મોદી સ્કૂલમાં યોજાઈ રહેલા કાર્યક્રમની વિગતો અહીં રજૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમની પ્રસ્તુતિઓ http://www.saptak.org/ (સપ્તક ચેનલ) પર સાંભળી શકાય છે.
૧ જાન્યુઆરીઃ પંડિત હરિપ્રસાદ ચોરસિયા
૨ જાન્યુઆરીઃ પંડિત જસરાજ
૩ જાન્યુઆરીઃ બેગમ પરવીન સુલતાના
૪ જાન્યુઆરીઃ પંડિત શિવકુમાર શર્મા
૫ જાન્યુઆરીઃ કૌશકી ચક્રવર્તી, ઉસ્તાદ શુજાત ખાન
૬ જાન્યુઆરીઃ વિદૂષી ગિરિજાદેવી, પંડિત વિશ્વમોહન ભટ્ટ
૭ જાન્યુઆરીઃ પંડિત રાજન મિશ્રા પંડિત સાજન મિશ્રા, રાહુલ શર્મા
૮ જાન્યુઆરીઃ સલીલ ભટ્ટ
૯ જાન્યુઆરીઃ ગુંદેચા બ્રધર્સ
૧૦ જાન્યુઆરીઃ પંડિત ઉલ્હાસ કલાશંકર, શુભા મુદગલ
૧૧ જાન્યુઆરીઃ અજય ચક્રવર્તી, ઉસ્તાદ શાહિદ પરવેઝ
૧૨ જાન્યુઆરીઃ અનુષ્કા શંકર
૧૩ જાન્યુઆરીઃ ઉસ્તાદ અમજદ અલી ખાન, અમાન અલી ખાન, અયાન અલી ખાન


