ગાંધીનગરઃ પાલજ ગામે ફાગણી સુદ પૂનમને હોળીના દિવસે પ્રગટાવવામાં આવતી હોળીનું વિશેષ મહત્ત્વ છે. હોળી પ્રગટાવીને તેના અંગારાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે. નવાઇની વાત એ છે કે ધગધગતા અંગારાઓ પર બાળકોથી માંડીને મોટેરાઓ સૌ કોઇ ઉઘાડા પગે ચાલી નીકળતા હોવા છતાં તેઓ દાઝતા હોતા નથી. આ બાબત આ ગામના લોકો માટે શ્રદ્ધા અને તેઓના વડવાઓના સમયથી ચાલી આવતી એક પરંપરા હોવાનું કહેવાય છે. હોળી પ્રાગટયની આ અનોખી પરંપરાને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી લોકો પાલજ ગામે આવે છે.
ગ્રામજનો આ પરંપરા વિશે કહે છે કે, ગામમાં મહાકાળી માતાજીનું મંદિર છે તેના સતના કારણે અંગારા પર ચાલવા છતાં આજ સુધી એકેય શ્રદ્ધાળુને સામાન્ય ઇજા પણ થવા પામી નથી. અહીં હોળીના દિવસે સાંજે સાત વાગ્યે હોળી પ્રગટાવાય છે. તે પહેલાં ગ્રામજનોને એકત્ર કરવા માટે સાદ દેવાય છે. પાંચેક હજારની વસ્તી ધરાવતા આ ગામમાં તે દિવસે ઘેરઘેર લાડવા બનાવીને ઉજાણી થાય છે.
આ અંગે આ ગામમાં રહેતા જગુજી ભવાનજી બિહોલાના જણાવ્યા મુજબ, હોળીના દસ દિવસ પહેલાંથી તેની તૈયારીઓ આરંભી દેવાય છે. ગામના યુવાનો વગડાઓમાંથી લાકડા લાવે છે અને આશરે પચીસેક ફૂટ ઊંચો લાકડાનો ઢગલો એક જગાએ કરે છે. હોળીને પ્રગટાવવા માટે ગ્રામજનો કેરી, મહુડો અને રાયસણના ડોડાનો હાર બનાવીને લાવે છે. તે બાજરીના સાંઠાઓમાં પરોવીને તેને હોળીમાં હોમાય છે.
અંગારાઓ પર સૌપ્રથમ મહાકાળી માતાના મંદિરના પૂજારી ચાલે છે અને તેમની પાછળ ‘જય મહાકાળી’ના નાદ સાથે ભક્તો ચાલે છે.
હોળીના દિવસે આ અંગારાઓ પર ચાલવા માટે લાંબી લાઇનો લાગે છે. તેમ છતાં એકેય શ્રદ્ધાળુ દાઝી ગયાનો કિસ્સો અહીં બન્યો નથી.
ગામમાં હોળી પ્રગટે તેની જ્વાળાઓ છેક સો ફૂટ ઊંચે જતી હોય છે અને પૌરાણિક માન્યતા અનુસાર હોળીનો તાપ લેવાથી વર્ષ દરમિયાન શરીરમાં કોઇ બીમારી આવતી નથી. હોળીના દિવસે ગામમાં મેળો પણ ભરાય છે. જેમાં પાલજ ઉપરાંત આજુબાજુના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.


