અમદાવાદઃ રવિવારે હોળીના પર્વે લોકોએ હોલિકાદહન-પૂજન કર્યું હતું. શાસ્ત્રોમાં હોળીના કદ, આકાર અને ઉંચાઈ અંગે સ્પષ્ટ વર્ણન કરાયું છે. કેટલાક વિસ્તારોમાં ઇકોફ્રેન્ડલી હોળિકા દહન કરાયું હતું. હોળીની જ્વાળા પરથી ખેડૂતો, જ્યોતિષાચાર્યો ચોમાસાની આગાહી કરતા હોય છે. આ વખતે હોળીની જ્વાળા ઉત્તર દિશા તરફ જતી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. જાણકારોના કહેવા અનુસાર, હોળીની જ્વાળાથી ભાવિ વર્ષાઋતુના સંકેતો મળે છે તે મુજબ પારંપરિક રીતે પ્રગટાવેલા આ વર્ષે ઉત્તર તરફની હોવાથી સાનુકૂળ વરસાદ રહે તેવા સંકેતો આપે છે. ક્યારેક ક્યારેક પવન રોકાતા જ્વાળા ઉદ્વમુખી અને અગ્નિ દિશા તરફ જતી હોવાથી જણાય છે કે ચોમાસા દરમિયાન પણ વચ્ચે વચ્ચે બિલકુલ કોરા અને ગરમ દિવસો આવનારા ચોમાસા જોવા મળે છે, પરંતુ એકંદરે ઉત્તર તરફથી જ્વાળા એવા સંકેતો આપે છે કે ચોમાસુ સાનુકૂળ પ્રકારનું રહે. પાક-પાણી આગામી વર્ષ દરમિયાન સારા રહે તેમ જણાય છે.
ઉનાળાની શરૂઆતમાં માવઠું
જોકે નવાઈની વાત એ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં વારંવાર પલટો આવી જાય છે.
૧૦મી માર્ચે પણ રાજ્યમાં એનેક જગ્યાએ માવઠું થયું હતું. જેથી જીરું, વરિયાળી બટાકા, ઘઉં અને કેરી સહિતના પાકને વ્યાપક નુકસાનની ભીતિ થઈ છે. અમદાવાદમાં મણિનગર, વસ્ત્રાપુરમાં વરસાદી છાંટા પડ્યા હતા. ઉત્તર ગુજરાતમા ડીસાથી લઈ પાલનપુર, મહેસાણા, પાટણ બનાસકાઠા, સાબરકાંઠા, અરવલ્લીના મોડાસા, મેઘરજથી લઈ ખેડા તેમજ મહિસાગરના વિરપુરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. પંચમહાલના લુણાવાડા અને દાહોદના ફતેપુરામાં તેમજ પંચમહાલના શહેરામાં કમોસમી વરસાદ પડ્યો હતો. નવસારી, નવાગામ અને વલસાડના ઉમરગામમાં પણ ઝાપટાં પડ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ઝાપટાં પડ્યાં હતાં.


