ગાંધીનગરઃ કોરિયાનું ઓટોમોબાઇલ તથા સ્ટીલ ક્ષેત્રનું વિરાટ જૂથ હ્યુંડાઇ ફરી એકવાર ગુજરાતમાં મોટાપાયે મૂડીરોકાણ કરવાનું વિચારી રહ્યું છે. આ વખતે સ્ટીલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પદાર્પણની કંપનીની યોજના છે. આ સંદર્ભમાં કંપનીનું ડેલિગેશન અગાઉ કચ્છ, દહેજ વગેરે ખાતે મુલાકાત લઇ ચૂક્યું છે. અત્યારે કંપનીના વાઇસ પ્રેસિડેન્ટના નેતૃત્વમાં કંપનીની ટીમ ભરૂચ, સાણંદમાં યોગ્ય લોકેશનની શોધમાં છે, એમ રાજ્યના ઉદ્યોગ વિભાગના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.
સ્ટીલ પ્લાન્ટ માટે વિશાળ જગ્યા જોઇએ, કમ સે કેમ એક હજાર એકર જ્યાં કંપની ભવિષ્યમાં પણ વિસ્તરણ કરી શકે, આ આયોજનને ધ્યાને રાખવા ઉપરાંત કંપનીને લોજિસ્ટિક્સ માટે પોર્ટથી જોડાયેલા રસ્તા નજીકની જગ્યા જોઇએ, એમ ઉલ્લેખી સૂત્રો ટાંકે છે કે, હ્યુંડાઇ જૂથ તેના સૂચિત સ્ટીલ પ્લાન્ટમાં શરૂઆતના તબક્કે રૂ. ૪,૦૦૦ કરોડનું રોકાણ કરવા ચાહે છે, બાદમાં તબક્કાવાર કંપની વિસ્તરણ કરશે.
ગુજરાતમાં ૨૦૦૯-૧૦ના અરસામાં કોરિયન જૂથ હ્યુંડાઇએ મોટરકાર ઉત્પાદન ક્ષેત્રે ઝંપલાવવાનું વિચાર્યું હતું. આ સંબંધમાં યોગ્ય જગ્યાઓની તલાશ પણ એ વખતે થઇ હતી, જો કે, કોઇ કારણસર હ્યુંડાઇની આ યોજના ફળીભૂત થઇ ન હતી, ત્યારે આ નવા આયોજનમાં નક્કર કામગીરી થાય છે કે, કેમ તે જોવું રસપ્રદ બની રહેશે.