હ્યુસ્ટનમાં વસેલા દંપતીએ અમદાવાદ જિલ્લાના ૨૦૦ વૃદ્ધોની મોતિયાની નિઃશુલ્ક સર્જરી કરાવી

Wednesday 11th January 2017 07:50 EST
 

અમદાવાદઃ છેલ્લા ૨૦ વર્ષથી હ્યુસ્ટનમાં રહેતા મૂળ અમદાવાદના બિમલભાઈ નટવરલાલ વોરા અને તેમનાં પત્ની અલકાબહેને વતનમાં ૨૦૦ વૃદ્ધોના મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન તાજેતરમાં કરાવ્યા હતા. દંપતી કહે છે કે, વતનમાં કંઈક સેવા કરવાની તીવ્ર ઇચ્છા પછી અમદાવાદ જિલ્લાના ત્રણ ગામડાંના ૨૦૦ જેટલા વૃદ્ધોનું અમે સ્ક્રિનિંગ કરાવ્યું. એ પછી નિષ્ણાત ડોક્ટરો અને લેટેસ્ટ ઈક્વિપમેન્ટની મદદથી વૃદ્ધોનાં મોતિયાના ઓપરેશન કરાવ્યા.
૬૨ વર્ષીય બિમલભાઈ વોરા હ્યુસ્ટનમાં બિઝનેસ એકાઉન્ટ્સ હેન્ડલિંગના કાર્ય સાથે જોડાયેલા છે. તેઓ કહે છે કે, હું બી.કોમ. ગ્રેજ્યુએટ થયા પછી ૪૨ વર્ષની ઉંમરે યુએસ ગયો હતો. ત્યાં આજીવિકા માટે બે વર્ષનો એકાઉન્ટ સંબંધિત કોર્સ કર્યો હતો. જોકે યુએસમાં મારો ‘પાકા ઘડે કાંઠા ન ચઢે’ જેવો ઘાટ થયો હતો, પણ આખરે ડિગ્રી મળી અને આર્થિક પરિસ્થિતિ પણ સુધરી. બિમલભાઈ કહે કે, વિદેશમાં સ્થાયી થયા પછી વતનની યાદ આવ્યા કરે અને આર્થિક સ્થિતિ સારી હોવાથી વતનીઓની મદદ કરવાની પ્રબળ ઇચ્છા પણ રહ્યા કરે તેથી આ કાર્ય કરવાનો વિચાર આવ્યો. દંપતી કહે છે કે, બાળબ્રહ્મચારી ગોકુળભાઈ શાહની પ્રેરણાથી માંડલ સ્થિત રામાનંદ સરસ્વતી હોસ્પિટલ સાથે જોડાયેલા ડો. પુનિત ગોહિલ અને ડો. તીર્થ પટેલનો આ સેવાયજ્ઞમાં ઘણો ફાળો રહ્યો.
૧૯ ડિસેમ્બરથી ૪ જાન્યુઆરી દરમિયાન અમદાવાદથી ૧૨૦ કિ.મી. દૂરના અંતરે આવેલા ધરજી, વિઠ્ઠલગઢ અને સુરેલ ગામમાં મોતિયાના ઓપરેશનનો કેમ્પ હતો. કેમ્પમાં નવજાત શિશુથી લઈ ૯૨ વર્ષ સુધીની મહિલાઓને આંખની યોગ્ય સારવાર આપવામાં
આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter