૧૦.૧ ટકાના વાર્ષિક ગ્રોથ રેટ સાથે ગુજરાત દેશમાં નં. ૧

Wednesday 06th November 2019 05:59 EST
 
 

ગાંધીનગર: મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની આર્થિક, ઔદ્યોગિક અને સામાજિક ક્ષેત્રમાં દેશભરમાં આગેકૂચ જારી રહી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા ચોથી નવેમ્બરે વિજય રૂપાણીએ મીડિયા સાથેના કાર્યક્રમમાં શુભેચ્છા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંઘે જણાવ્યું હતું કે, ગુજરાત આર્થિક રીતે સમૃદ્ધ છે. એટલું જ નહીં, વર્ષ ૨૦૧૨-૧૩થી ૨૦૧૭-૧૮ દરમિયાન ગુજરાત રાજ્યની કુલ વાર્ષિક આવક (જીએસડીપી)નો વૃદ્ધિ દર ૧૦.૧ ટકા જેટલો રહ્યો છે. આ દર દેશમાં સૌથી વધુ અને રાષ્ટ્રીય સરેરાશ વૃદ્ધિ દર ૭.૧૦ ટકા કરતા પણ વધુ છે. એવી જ રીતે ઔદ્યોગિક ક્ષેત્રે પણ ગુજરાતે તેનો દબદબો યથાવત રાખ્યો છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ૧૬.૮૧ ટકા જેટલો રહેવા પામ્યો છે. જ્યારે બીજા ક્રમે મહારાષ્ટ્રનો હિસ્સો ૧૪.૯૨ ટકા છે. તે સાથે છેલ્લા વર્ષની સરેરાશ મુજબ કૃષિ ક્ષેત્રે પણ ગુજરાતનો વિકાસ દર દેશમાં સૌથી વધુ ૯.૩ ટકા જેટલો છે. જ્યારે બીજા નંબરે તામિલનાડુનો કૃષિમાં વિકાસ દર ૮ ટકા જેટલો છે.
દરમિયાન, વિશ્વ બેન્કના વડાએ તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી હતી. તેમની સમક્ષ અગ્રેસર ગુજરાત-વિકાસ ગાથાનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે દિવાળીની રજાઓ બાદ નવા વર્ષમાં સોમવાથી ગુજરાત સરકારનું તંત્ર ફરીથી ધમધમતું થઈ ગયું છે.
સુરતનું ‘ડ્રીમ સિટી’ પેન્ટાગોન કરતાં પણ મોટું હશે
સુરત ડાયમંડ ક્ષેત્રે હબ ગણાય છે ત્યારે સુરતમાં ડાયમંડ રિસર્ચ અને મર્કેન્ટાઈલ સિટી સરકાર દ્વારા બનાવાઈ રહ્યું છે. જે યુએઈના બુર્જ ખલિફાના ૩૩ લાખ ચોરસ ફૂટ વિસ્તાર અને ચીનના સીએમજી વડા મથકના ૪૧ લાખ ચો. ફૂટ વિસ્તાર અને અમેરિકાના પેન્ટાગોનના ૬૫ લાખ ચો.ફૂટ વિસ્તાર કરતાં પણ મોટું અને ૬૬ લાખ ચો.ફૂટ વિસ્તારમાં ભવ્ય રીતે નિર્માણ પામી રહ્યું છે. ડો. સિંઘે જણાવ્યું હતું કે હીરાને લગતી તમામ પ્રવૃત્તિના સેન્ટર સમાન આ ડ્રીમ સિટીમાં ૪૨૦૦માંથી અત્યારથી મોટાભાગની ઓફિસિસ બુક થઈ જવા પામી છે. ૯૦૦ અબજનો વાર્ષિક વ્યાપાર અહીંથી થશે. મુંબઈના પંચરત્નમાંથી મોટા પ્રમાણમાં અહીં બિઝનેસ શિફ્ટ થશે. આગામી વર્ષે આ સેન્ટર ધમધમતું થઈ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter