ગાંધીનગરઃ કોરોનાના પગલે લોકો મુખ્ય પ્રધાન ફંડ અને પીએમ ફંડમાં યોગદાન આપી રહ્યા છે ત્યારે ૧૯૭૫થી ૮૦ સુધી મેંદરડા-માળિયા વિસ્તારના ધારાસભ્ય રહી ચૂકેલા અને હાલ ૧૦૦મું વર્ષ પસાર કરતા રત્નાબાપા ઠુમરે પણ પોતાની મરણ મૂડીમાંથી રૂ. ૫૧,૦૦૦નો ચેક સીએમ રાહત ફંડ માટે જૂનાગઢ કલેક્ટરને આપ્યો. એ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક સમયના મિત્ર રત્નાબાપા ઠુમર સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. ત્યારે કૃષ્ણ, સુદામાની મિત્રતાના તને સાંભરે... રે, મને કેમ વિસરે...રેના ભાવ સાથેના દ્રશ્યો સર્જાયા હતા.
મોદી - રત્ના બાપાની વાતચીતના અંશો
વડા પ્રધાન: હા બાપા તમારી તબિયત કેમ છે?
રત્નાબાપા: મારી તબિયત તો ઠીક પણ કાને સાંભળી શકતો નથી, ૧૦૦માં એક વર્ષ ઓછું રહ્યું છે.
વડા પ્રધાન: મને યાદ કરો છો?
રત્નાબાપા: યાદ તો કરતો હોઉં ને... દેશનું ભલું કરો છો... અમે તો નથી કંઇ કરી શકતા.
વડા પ્રધાન: પણ બાપા અમે તો તમને બહુ જ યાદ કરીએ છીએ.
રત્નાબાપા: તમે બધા લોકોને સમજાવો નહીંતર તેની પર તૂટી પડો.
વડા પ્રધાન: બાપા જૂનું કંઇ યાદ કરો છો, હું ઘરે આવતો તે યાદ આવે છે?
રત્નાબાપા: હેં? તમે બોલો એ હું સાંભળી શકતો નથી, ધનજી (પુત્ર) સાથે વાત કરો...
વડા પ્રધાન: ધનજીભાઇ બાપાને પૂછો હું આવતો તે યાદ આવે છે?
ધનજીભાઇ: તમે અને શંકરસિંહ બાપુ આવ્યા હતા ને બિલખા તે યાદ કરે ઘણીવાર કે ત્રણ કલાક બેઠા હતા સાથે.
વડા પ્રધાન: (હસતાં હસતાં) હા...