૧૦૮ વર્ષે અડીખમ સાહેબજાદીની જીવે ત્યાં સુધી રોજા રાખવાની ઈચ્છા

Thursday 15th June 2017 11:53 EDT
 

અમદાવાદઃ રખિયાલમાં રહેતા અને પરિવારની ચાર પેઢી જોઈ ચૂકેલા ૧૦૮ વર્ષના સાહેબજાદી અન્સારી હજી પણ દર વર્ષે ઘરકામ કરવા સાથે રમજાનમાં રોજા રાખે છે. તેઓ કહે છે કે, લાંબુ જીવન જીવવા માટે ફક્ત ખોરાક જ નહીં, પણ તમારા આચાર-વિચાર, રહેણીકરણી મહત્ત્વનો ભાગ ભજવે છે. જીવન લાંબુ નહીં પણ કેવું જીવન જીવો છો તે મહત્ત્વનું છે. તેઓ સવા મહિનાના હતા ત્યારે ઉત્તર પ્રદેશથી ફક્ત પાંચ રૂપિયામાં પરિવાર સાથે અમદાવાદમાં આવીને વસ્યા હતા. અંગ્રેજ શાસન, ભારત-પાકિસ્તાન ભાગલા, છપ્પનિયો દુકાળ વગેરે જેવી ઐતિહાસિક ઘટનાને તેઓએ નજરે જોઈ છે.

ગરમીમાં રમઝાન ચાલે છે. પાણી પીધા વિના રહેવું અશક્ય છે ત્યારે સાહેબજાદી મહંમદ યાકુબ અન્સારી આટલી ઉંમરે પણ રોજા રાખે છે. આસપાસના લોકોને પણ આ જોઈને નવાઈ લાગે છે. રોજા રાખવા છતાં તેઓ લાકડીનો સહારો લીધા વિના ચાલે છે. તેમના મોઢામાં ઉપરના જડબામાં દાંત પણ હજુ એમના એમ જ છે અને નીચેના જડબામાં નવા દાંત ફૂટ્યા છે. સાહેબજાદી કહે છે કે, સવારે શેરીના સમયે ફક્ત શાકભાજી, રોટલી અને દૂધ જ લે છે. જ્યારે સાંજે રોજા છોડે ત્યારે મોટાભાગે ફ્રૂટ્સ ખાવાનું પસંદ કરે છે.

તેઓને બપોરે સૂવાની આદત નથી. ઘરમાં તેઓ નવરા બેસી રહેવાને બદલે પગ લૂછણિયા, હાથ પંખા, ફ્રૂટ્સ અને શાકભાજી મૂકવાની ટોપલી બનાવે છે. આ વસ્તુઓ જરૂરિયાતમંદ લોકોને અને મસ્જિદમાં આપી દે છે. તેઓ કહે છે કે, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી રોજા કરીશ.

૧૯૬૯ના રમખાણોમાં હિન્દુઓએ જીવ બચાવ્યો

વર્ષ ૧૯૬૯માં થયેલા રમખાણો દરમિયાન સાહેબજાદી પરિવાર સાથે બળિયાકાકા ચાર રસ્તા પાસે રહેતા હતા. આસપાસના રહેતા હિન્દુ-મુસ્લિમના મકાનોને ત્યારે સળગાવી દેવાયા હતા તે સમયે હિન્દુ લોકોએ અમારો જીવ બચાવ્યો હતો. અમારા ઘરને બહારથી તાળું મારી દીધું હતું. ઘરમાં કોઈ ન હોવાનું કહી અમારો જીવ બચાવ્યો હતો.

રેલવેના પાટે ઊગેલી વનસ્પતિ ખાઈને જીવ્યાં

સાહેબજાદી અન્સારી કહે છે કે છપ્પનિયો દુકાળ પડ્યો ત્યારે ખાવાના ફાંફા હતા અને ભૂખમરાથી લોકો મરતાં હતાં. તે સમયે રેલવેના પાટાની બાજુમાં ઊગેલી વનસ્પતિની શાકભાજી બનાવીને અમે પેટ ભરતા હતા. ક્યારેક ક્યારેક પ્લેન મારફતે ઉપરથી ફૂટ પેકેટનું વિતરણ કરાતું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter