ગાંધીનગર: માસ સીએલ સાથે શૈક્ષણિક કાર્યથી અળગા રહેલા રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોનો ૨૨મીએ કરેલો વિધાનસભાને ઘેરાવનો ચક્રવ્યૂહ સફળ રહ્યો હતો. દરેક પ્રવેશ નાકા અને વિધાનસભા પર પોલીસની કિલ્લેબંધી તથા ૨ હજાર શિક્ષકોની અટકાયત છતાં વિધાનસભાની આસપાસ અંદાજે ૧૨ હજારથી વધારે શિક્ષકોએ ઊમટીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. લડત બેકાબૂ બનતા સરકારે ના છૂટકે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મંત્રીનો સહારો લીધો હતો. બે વર્ષથી પડતર પ્રશ્નોને ઉકેલવાના મુદ્દે પ્રાથમિક શિક્ષકોએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું તે દરમિયાન પોલીસે શિક્ષકો પર લાઠીચાર્જ કર્યો હતો. જ્યારે મહિલા પોલીસ અને શિક્ષિકા વચ્ચે લાફાલાફી અને બોલાચાલી થઈ હતી. જિલ્લામાંથી આવેલા શિક્ષકો અલગ અલગ ટુકડીઓમાં ગલી અને ઝાડીઓમાં થઈને ચોતરફથી વિધાનસભાની સામે આવ્યા હતા.


