અમદાવાદઃ અષાઢી બીજે ૨૫ જૂન, રવિવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૦મી રથયાત્રા રંગેચંગે નીકળી હતી. ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાની સવારી પરંપરાગત રૂટ પર ફરીને સાંજે નિજમંદિર આવી હતી. મંદિરે વહેલી સવારે ૪ કલાકે ભાજપના અધ્યક્ષ અમિત શાહે રથયાત્રાની મંગળા આરતી કરી હતી. ૨૩ વર્ષ બાદ એવું બન્યું હતું કે, બે જણાએ આ અવસરે પહિંદવિધિ કરાવી હોય. આ વખતે સવારે ૭ કલાકે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પહિંદવિધિ કરાવી હતી. આ વિધિમાં પ્રદીપસિંહ જાડેજા પણ હાજર હતા. ૨૩ વર્ષ પહેલાં ૧૯૯૪માં તત્કાલીન મુખ્ય પ્રધાન છબીલદાસ મહેતા અને તત્કાલીન નાયબ મુખ્ય પ્રધાન નરહરિ અમીને પહિંદવિધિ કરાવી હતી. એ સિવાય રાજ્યના મુખ્ય પ્રધાનના હસ્તે જ આ વિધિ થાય છે. ૧૪૦મી રથયાત્રામાં એ પણ પહેલી વાર બન્યું કે, મુખ્ય પ્રધાને રથ ખેંચ્યો નથી. મુખ્ય પ્રધાનની હાજરીમાં ભક્તજનોએ રથનું દોરડું ખેંચીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું.
ભક્તોએ ભાવથી પ્રસાદ લીધો
વહેલી સવારે જગન્નાથ મંદિરેથી પ્રસ્થાન કરાવાયેલા ત્રણેય રથ બપોરે એક વાગ્યે એક પછી એક મોસાળ સરસપુર રણછોડરાય મંદિર પહોંચ્યા હતા. ત્રણેય ભાણેજ અને હજારો ભાવિક ભાઈ-બહેનોને હેતપૂર્વક સાચવ્યાં હતા. ભગવાનને મોહનથાળ, બુંદીના લાડુ, ખીચડી, પુરી, બટાટાનું શાક, દાળ-ભાત, દૂધપાક, છાશનો થાળ ધરવામાં આવ્યો હતો. બાદમાં તમામ ભાવિકોને આ પ્રસાદરૂપી ભોજન પીરસાયું હતું. સરસપુર વિસ્તારની ૧૮ પોળોમાં શિસ્તબદ્ધ રીતે ભાવિકો કતારમાં ગોઠવાઈ ગયાં હતા. મામેરામાં રથ સાથે આવેલા ભક્તો સહિતના બે લાખથી વધુ લોકો માટે મહાપ્રસાદ તૈયાર કરાયો હતો. મોટી સાળવીવાડ, લુહાર શેરી, વાસણ શેરી, લીમડા પોળ, આંબલી પોળ, તાળિયાની પોળ, કડિયાવાડા, દેસાઈની પોળ, ઠાકોરવાસ, નાની સાળવીવાડા, ભાવસારનો ખાંચો, ખત્રીવાડમાં રસોડું હોય છે. અંદાજે બે લાખ ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
વર્ષો પછી સરસપુરમાં મામેરું
ઘણો વર્ષો પછી સરસપુરના ભાવિકને મામેરું ભરવાનો મોકો મળ્યો હતો. સરસપુરના બાલુભાઈ હજારીલાલ શર્માએ ભગવાન જગન્નાથ, બલરામજી અને માતા સુભદ્રાને વિધવિધ વસ્તુઓનું મામેરું ચડાવ્યું હતું. ત્રણેય ભગવાનને સોનાના દાગીના ઉપરાંત ગોલ્ડ પ્લેટેડ સેટ ચડાવવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથજી અને બલરામજીને પાઘડી, ધોતી, પિતાંબર, કોટી પ્રકારનાં સુંદર ભરતકામવાળાં વસ્ત્ર ચડાવાયાં હતાં. માતા સુભદ્રાને સિલ્કની સાડી, સોનાની નથણી, સોનાની વીંટી, શૃંગાર, સોનાની ચેઈન, ચાંદીના ત્રણ હાર, ચાંદીના ઝાંઝર ચડાવાયા હતા. મામેરા પાછળ આશરે રૂ. બે લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો.
સચોટ સુરક્ષાવ્યવસ્થા
રથયાત્રાના રૂટમાં આવતા દરિયાપુર, શાહપુર, રંગીલાચોકી, દિલ્હી દરવાજા, દરિયાપુર જોર્ડન ચોક સહિતના વિસ્તારો અતિસંવેદનશીલ માનવામાં આવે છે તેથી શહેર પોલીસ ઉપરાંત એસઆરપી, આર.એ.એફ., અર્ધ લશ્કરી દળોની ટુકડીઓ સુરક્ષાના હેતુથી આ રૂટ પર તૈનાત કરવામાં આવી હતી. રથયાત્રામાં ૨૫ જેટલાં અખાડાઓ, ૧૨થી વધુ શણગારેલા હાથી અને ૧૨ જેટલી ભજનમંડળીઓ હતી. આ વર્ષે ૨થયાત્રામાં ૧૦૧ ટ્રકો જોડાશે તેવું મહાનગરપાલિકા દ્વારા અગાઉ જ કહેવામાં આવ્યું હતું.
બન્ના મસ્જિદમાં પાંચ હજારનું દાન
અષાઢી બીજે આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ગઈ હતી. રવિવારે રથાયાત્રા દરિયાપુર પહોંચી ત્યારે જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજીએ બન્નાની મસ્જિદમાં પરંપરા પ્રમાણે રૂ. પાંચ હજારનું દાન કર્યું હતું. રથયાત્રા વખતે બન્નાની મસ્જિદમાં દાનની સો વર્ષ જૂની પરંપરા આ વખતે પણ યથાવત રીતે સચવાઈ રહી હતી. દરિયાપુરના સ્થાનિક મુસ્લિમ આગેવાનો આ અંગે કહે છે કે, વર્ષો પહેલાં જ્યારે રથયાત્રા દરિયાપુર પહોંચતી ત્યારે જગન્નાથ મંદિરના મહંત ઘોડાગાડીમાં આવતાં હતાં. એટલું જ નહીં, તેઓ ઐતિહાસિક બન્નાની મસ્જિદમાં હિન્દુ મુસ્લિમોની ભીડમાંથી થઈને રૂ. ૧૦૧ દાનપેટે આપતાં હતાં. મુસ્લિમ બિરાદરો પણ મહંતનું ઉષ્માભેર સ્વાગત કરતાં હતાં. વર્ષોથી આ પરંપરા નિભાવવામાં આવે છે કે રથયાત્રા જ્યારે બન્નાની મસ્જિદે પહોંચે ત્યારે મુસ્લિમ બિરાદરો ફૂલહારથી રથયાત્રાનું સ્વાગત કરે છે તે વખતે મહંત દ્વારા દાનપેટે અમુક રકમ આપવામાં આવે છે.


