ગાંધીનગરઃ રાજ્યમાં મેડિકલમાં પ્રવેશ મેળવવા માટેનો ૧૫ ટકા એનઆરઆઈ (NRI-બિન નિવાસી ભારતીય) ક્વોટા રદ કરતા વટહુકમને આખરે કેબિનેટે ૨૫મી મેએ લીલીઝંડી આપી દીધી છે. હવે, તે રાજ્યપાલને મોકલી અપાશે. જેના ઉપર રાજ્યપાલની સહી કરી દેવાયા બાદ ચાલુ શૈક્ષણિક સત્રથી જ તેનો અમલ કરાશે. ગુજરાતમાં મેડિકલમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને રાજ્ય સરકારના આ નિર્ણયથી મોટો લાભ થશે. રાજ્યમાં હાલની સ્થિતિએ કુલ મેડિકલ બેઠકોમાંથી ૭૫ ટકા બેઠકો ઓપન કેટેગરી, ૧૫ ટકા બેઠકો એનઆરઆઈ ક્વોટા, ૧૦ ટકા બેઠકો મેનેજમેન્ટ ક્વોટાના આધારે ભરવામાં આવતી હતી, પરંતુ હવેથી ૧૫ ટકા NRI ક્વોટા રદ થવાથી તે બેઠકો મેનેજમેન્ટ ક્વોટામાં સામેલ કરાશે અને એટલે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો ૧૦ વત્તા ૧૫ મળીને કુલ ૨૫ ટકા થઈ જશે. એનો સીધો અર્થ એ થાય છે કે, અત્યાર સુધી જે ૧૫ ટકા બેઠકો બિનનિવાસી ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા ભરાતી હતી તેના ઉપર પણ હવે, ગુજરાતના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે.


