અમદાવાદ: નરોડા ગામ હત્યા કેસમાં પૂર્વ પ્રધાન ડો. માયાબહેન કોડનાનીના બચાવ પક્ષના સાક્ષી તરીકે જુબાની આપવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ૧૮મી સપ્ટેમ્બરે સ્પેશયલ કોર્ટમાં હાજર રહ્યા હતા. અમીત શાહે કોર્ટમાં કહ્યું હતું કે, ૨૦૦૨ની ૨૮મી ફેબ્રુઆરીની સવારે માયાબહેન વિધાનસભામાં હાજર હતા. પછી અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં મને મળ્યા હતા. જોકે, તેમણે ચોક્કસ કયો સમય હતો તે અંગે ફોડ ન પાડતાં કહ્યું કે, સવારે ૧૧ કે ૧૧.૧૫ વાગ્યા હશે, ચોક્કસ કહી ન શકું.
ગોધરામાં ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના દિવસે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચ સળગાવવાની ઘટનાના પગલે અમદાવાદ સહિત રાજ્યમાં જે કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા ત્યારે નરોડાના ભાજપના ધારાસભ્ય ડો. માયાબહેન કોડનાની મહિલા અને બાળ વિકાસ પ્રધાન હતા. તેમને નરોડા ગામ ઉપરાંત, નરોડા પાટિયા હત્યાકાંડ કેસમાં પણ આરોપી બનાવાયા હતા.
નરોડા પાટિયા કેસમાં તેઓ કસૂરવાર ઠેરવાયા છે અને ૨૮ વર્ષની કેદની સજા ફરમાવાઈ છે. અલબત્ત, એ કેસની ટ્રાયલ દરમિયાન તેમના બચાવ પક્ષના સાક્ષીઓમાં અમિત શાહનો સમાવેશ થયો નહોતો.


