સોમનાથઃ ભાજપ પ્રદેશ કારોબારીની બે દિવસીય બેઠકનો પ્રારંભ ૨૧મી એપ્રિલે સોમનાથમાં થયો હતો. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ અને નવ નિયુક્ત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિતના કારોબારી સભ્યો તેમજ દિલ્હીથી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ બેઠકમાં હાજર હતા. કારોબારીનાં સર્વ સભ્યોએ એકમતથી યુપીમાં પક્ષે ૩૨૫ બેઠક મેળવી એ રીતે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ૧૫૦થી વધુ બેઠકો મેળવવાનો ઠરાવ પસાર કર્યો હતો. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ પ્રસ્તાવ બેઠકમાં રજૂ કર્યો હતો અને તેમણે બેઠકમાં રામ મંદિર નિર્માણ અંગે ભાર મૂકતાં પણ કહ્યું હતું કે, રામ મંદિર નિર્માણની શરૂઆત સોમનાથથી થઈ હતી અને ફરી દેશનાં કરોડો લોકો રામ મંદિર બને એમ ઇચ્છે છે. સોમનાથમાં પ્રાર્થના કરીએ કે સર્વધર્મ સમભાવ સાથે અયોધ્યામાં રામ મંદિર બને.
કોંગ્રેસને ઉખેડી ફેંકવાનું આહ્વાન
જ્યારે બેઠકનાં સમાપન પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કારોબારીનાં સભ્યોને સંબોધતાં કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસમુક્ત ભારતનું સ્વપ્નું રજૂ કર્યું છે. આપણે તેને સાકાર કરવાનું છે. મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ગુજરાતમાં ૧૨૮ બેઠકો પર પક્ષે જીત મેળવી હતી. મોદી વડા પ્રધાન બન્યા પછી પક્ષનો ૧૭ રાજ્યોમાં વિજય થયો. હવે ગુજરાતમાં ૧૫૦થી ઓછી બેઠકો પર પક્ષનો વિજય ન ચાલે. શાહે કહ્યું કે, ભાજપીઓએ પરસ્પરના રાગ દ્વેષ, આંતરિક ખેંચતાણ અને મતભેદને ભૂલીને મતગણતરી સુધીના આયોજનમાં કામે લાગી જવાનું છે.
યુપી અને ઉત્તરાખંડના પરિણામો પછી દેશમાં વિજયની વ્યાખ્યા બદલાઈ છે. હવે બે તૃતિયાંશ નહીં પણ ત્રણ ચતુર્થાંશ બેઠક ઉપર વિજય મળે તો બહુમતી કહેવાય. તેમણે કહ્યું કે, ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલાં દુનિયા માનતી હતી કે ભારતનો વિકાસ સ્થગિત થઈ ગયો છે. લોકોમાં નિરાશા અને આક્રોશ હતો. ૨૦ વર્ષ પછી સંપૂર્ણ બહુમતી સાથે મોદી વડા પ્રધાન બન્યા. ભાજપનો કાર્યકર બૂથ લેવલથી મુખ્ય પ્રધાન, વડા પ્રધાન સુધી છે. આ પાર્ટીએ સખત પરિશ્રમથી અંધારા ઉલેચી દેશને ગરીબીમાંથી બહાર લાવીને સ્વમાનભેર જીવન સાથે આગળ લઈ જવાનું કામ આરંભ્યુ છે.
સારા પતંગ આપીશુંઃ રૂપાણી
રૂપાણીએ બેઠક બાદ ભાજપમાંથી સારા ઉમેદવારને આગામી ચૂંટણીમાં ટિકિટ આપવા અંગે કહ્યું હતું કે, વાતાવરણ ભલે સારું હોય અને પવન પણ બરાબર હોય, પણ જો ‘પતંગ’ સારો ન હોય તો ન ચગે. તેથી આ વખતે અમે ‘પતંગ’ (ઉમેદવાર) સારા આપીશું. રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસે ગુજરાતમાં રાહુલ ગાંધીની વધુમાં વધુ સભા કરવી. તેઓ જ્યાં વધારે જાય છે ત્યાં કોંગ્રેસ હારે છે. કોંગ્રેસના ધારાસભ્યોને રૂપિયા આપીને તોડી રહ્યાનાં શંકરસિંહ વાઘેલાનાં આક્ષેપ સામે રૂપાણીએ કહ્યું કે, વાઘેલા એ સ્વીકારે છે કે કોંગ્રેસનાં ધારાસભ્યોને રૂપિયાથી ખરીદી શકાય છે. ખરેખર તો વાઘેલા જ કોંગ્રેસને નબળી પાડે છે. ૨૧મીએ જ બેઠકમાં નિર્ણય લેવાયો કે ભાજપના બે પીઢ ધારાસભ્યો નરોત્તમ પટેલ (૮૨) અને નારણભાઈ પટેલ (૭૯) વધતી વયના લીધે આગામી ચૂંટણી નહીં લડે. નરોત્તમભાઈ ઉધના બેઠકનું તથા નારણભાઈ ઊંઝા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. અલબત્ત આ ધારાસભ્યો પોતાના સંતાનો માટે ટિકિટની માગ કરે તેવી શક્યતા છે.
૮ યાત્રાધામની ૨૪ કલાક સફાઈ
૨૨મીએ રૂપાણીના હસ્તે સફાઈ અભિયાનનો લોગો અને વેબસાઇટ લોન્ચ કરાઈ હતી. રાજ્ય સરકારે ખાનગી એજન્સીને સફાઇ કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ એજન્સી ૮ યાત્રાધામોની ૨૪ કલાક સફાઈ કરશે અને તેનું થર્ડ પાર્ટી ઇન્સપેકશન પણ થશે. સોમનાથ, દ્વારકા, ગિરનાર, પાલિતાણા, અંબાજી, ડાકોર, પાવાગઢ, શામળાજીની સફાઈ માટે ટેન્ડર બહાર પાડીને ખાનગી એજન્સીઓને કામ સોંપાયું છે.
નાનુભાઈ વાનાણીએ ઊંઘ ખેંચી
સ્વચ્છતા અભિયાન લોગો અને વેબસાઇટના લોન્ચિંગ કાર્યક્રમ માટે સોમનાથ મંદિર પરિસરમાં અતિભવ્ય અને વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જ્યારે ચાલુ હતો ત્યારે વીવીઆઈપી લોન્જનાં સોફામાં રાજય પ્રધાન નાનુભાઈ વાનાણીને દરિયા કિનારાની ઠંડી હવા નિંદ્રામાં તાણી ગઈ હતી. જોકે, તેમની આસપાસ બેઠેલા ભાજપી અગ્રણીઓએ તેમને જગાડ્યા તે કેમેરાઓમાં કેદ થયું હતું.


