ગાંધીનગરઃ પાંચ રાજ્યોના જાહેર થયેલા પરિણામોમાં રાજકીય રીતે સૌથી મહત્ત્વના ગણાતા ઉત્તર પ્રદેશ-ઉત્તરાખંડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રણનીતિથી આવેલા આશ્ચર્યજનક પરિણામોથી સૌથી વધારે ફાયદો ગુજરાતમાં થાય તેવી શક્યતા વધી છે. છેલ્લા બે વર્ષથી પાટીદાર આંદોલન સહિતના સામાજિક પડકારોથી હતોત્સાહ, વેરવિખેર ભાજપના કાર્યકરોથી માંડીને રાજ્યની ભાજપ સરકાર અને સંગઠનમાં એક નવો જ ઉત્સાહનો સંચાર થયો છે. આને લીધે ભાજપે વહેલી ચૂંટણીના સંકેતો સાથે તાબડતોબ સૂત્ર વહેતું મુક્યું છે કે, ‘યુપીમાં ૩૦૦, હવે ગુજરાતમાં ૧૫૦’, આ સૂત્રને પાર પાડવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ૧૨મીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
છેલ્લા બે વર્ષથી પાટીદાર આંદોલન, દલિત આંદોલન સહિતના સામાજિક આંદોલનોથી ડહોળાયેલી પરિસ્થિતિને કાબૂમાં લેવા મથી રહેલા ભાજપને ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોના પરિણામોએ ભારે બુસ્ટર ડોઝ આપ્યો છે. ભાજપના જ એક વરિષ્ઠ આગેવાને અનામી રહેવાની શરતે કબૂલ્યું કે, ‘પાંચ રાજ્યોમાં ઉત્તર પ્રદેશના પરિણામો જોતાં ગુજરાતમાં વહેલી ચૂંટણી માટે બ્યુગલ વગાડી દેવાય તો નવાઇ નહીં. આનાથી બે ફાયદા થઇ શકે એક તો હાલના બુસ્ટર ડોઝથી ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં ૧૫૦ બેઠકના ટાર્ગેટને હાંસલ કરવામાં સરળતા વધશે અને બીજી તરફ રાજકીય વિરોધીઓને હારની કળ વળે, નવી રણનીતિ તૈયાર કરે એ પહેલાં જ બીજો ઘા ઝીંકીને સીધો ફાયદો ઉઠાવી ૨૦૧૯ની જીતનો પાયો ગુજરાતમાંથી નાખવાનો યશ લઈ શકાય. આ તર્કને બળ આપે તેવી દલીલ કરતા તેઓ કહે છે કે, ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચાર પ્રવાસ બાદ તુરજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતનો પ્રવાસ ખેડ્યો છે. વડા પ્રધાને બે દિવસમાં સૌરાષ્ટ્રમાં સોમનાથ અને ઉત્તર ગુજરાતમા ગાંધીનગરમાં કુલ ત્રણ જાહેર સંબોધન કર્યા હતા. તો રાષ્ટ્રીય અધ્યક્ષે સળંગ બે દિવસ પ્રદેશના આગેવાનો સાથે અલગ અલગ રીતે બેઠકોનો દોર યોજી જરૂરી સૂચનાઓ આપી દીધી હોવાનું મનાય છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં વહેલી ચૂંટણી અંગે હસીને એવો જવાબ આપ્યો છે કે, ગુજરાતમાં જનતાએ પાંચ વર્ષ માટે જનમત આપ્યો છે. અમે પાંચ વર્ષ જનતાની સેવા કરીને જ એમની સમક્ષ વિકાસના મુદ્દે મત માગીશું. તેમણે ઉમેર્યું કે, ભાજપ ચૂંટણીલક્ષી કામ કરતો નથી. ચૂંટણીઓ આવતી રહેતી હોય છે તે માટે પક્ષ તૈયાર જ રહે છે, થોડા સમય પહેલાં પાલિકાઓની ચૂંટણી પૂરી થઇ પછી દસ હજાર સરપંચોની ચૂંટણીમાં ૮૦ ટકા ભાજપ તરફી ઉમેદવારો વિજયી થયા હતા. હવે ૧૭૦૦ પંચાયતોની ચૂંટણી આવવાની છે.


