ગાંધીનગરઃ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો તથા મહાનગરો અને નગરપાલિકાઓની જાહેરાતમાં યોજાયેલી ચૂંટણીઓ બાદ ૨૩મી ફેબ્રુઆરીએ નગરપાલિકાઓની ચૂંટણીના જાહેર થયેલાં પરિણામો અપેક્ષા મૂજબ આવ્યા છે. મોટા ભાગની નગરપાલિકાઓમાં ભાજપનો વિજય થયો છે. અગાઉની ચૂંટણીમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપનો વિજય થયા બાદ આ વિજયથી ભાજપમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં ભાજપની હાર થયા બાદ આ વિજયથી સરકાર લીટમસ ટેસ્ટમાં ખરી ઉતરી છે.
રાજ્યમાં ૨૭ નગરપાલિકાના જાહેર થયેલા પરિણામમાં ભાજપે ૧૬ પાલિકા કબજે કરી છે. ૨૧ જિલ્લાની ૨૭ પાલિકાઓની ૬૬૦ બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં ભાજપે ૩૯૫ બેઠકો જીતી લીધી છે. જ્યારે કોંગ્રેસનો માત્ર ૮ પાલિકામાં વિજય થયો છે. ૨૭ પાલિકાના જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસને ફટકો પડયો છે. ૬ પાલિકાઓમાં તો શૂન્ય બેઠક મળી છે. બનાસકાંઠાની ભાભર પાલિકાની તમામ ૨૪ બેઠકો ભાજપ જીત્યું છે. ૧૫ પાલિકાઓમાં ભાજપે સ્પષ્ટ બહુમતી અને ઠાસરા પાલિકામાં અપક્ષના ટેકા સાથે કુલ ૧૬ પાલિકાઓ કબજે કરી છે.
વડોદરા જિલ્લાની સાવલી, ખેડા જિલ્લાની કઠલાલ અને ઠાસરા, અરવલ્લીના બાયડ, બનાસકાંઠાની ભાભર અને અમરેલી જિલ્લાની દામનગર પાલિકામાં કોંગ્રેસનું ખાતું પણ ખૂલ્યું નથી. એક બેઠક એનસીપી અને એક સપાના ફાળે ગઈ છે. ભાજપને બારેજા, બરવાળા, ભાભર, વલ્લભીપુર, પેથાપુર, કણજરી, ગણદેવી, શહેરા, માંડવી (સુરત), પાટડી, સાવલી, બાયડ, ઉમરગામ, વડાલી, તરસાડીમાં સ્પષ્ટ બહુમતી મળી છે. તો ઠાસરામાં અપક્ષના ટેકાથી સત્તા મેળવશે. કોંગ્રેસે બાબરા, સોજિત્રા, સિક્કા, આમોદ, માળિયામિયાણા, તલાલા, જામરાવલ, ચોટિલા બેઠક મેળવી છે. દામનગરમાં એનસીપી, કઠલાલમાં સપા અને સૂત્રપાડામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઈ પડી છે.
બેવડો વિજયોત્સવ
૨૭મી ફેબ્રુઆરીએ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ગુજરાત આવ્યાછે ત્યારે તેમની બીજી વખતની વરણીનો વિજયોત્સવ મનાવાઈ રહ્યો છે. હવે નગરપાલિકાઓમાં પણ ભાજપનો વિજય થતાં ઉત્સવ બેવડાયો છે.
કુલ બેઠકોઃ ૩૯૦
ભાજપઃ ૧૯૬
કોંગ્રેસઃ ૨૯
એનસીપીઃ ૨૩
સમાજવાદી પક્ષઃ ૨૩
અન્ય પક્ષોઃ ૪
અપક્ષોઃ ૧૮

