નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યા હત્યાકેસમાં ૧૨ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જસ્ટિસ અરુણ મિશ્રાના નેતૃત્વ હેઠળની બે જજોની બેન્ચે ગુજરાત હાઈ કોર્ટના એ ચુકાદાને પલટી નાંખ્યો હતો, જેમાં તેણે તમામ આરોપીઓને છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો. હાઈ કોર્ટના આ ચુકાદાને સીબીઆઈ અને ગુજરાત સરકારે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસમાં ગયા જાન્યુઆરીમાં સુનાવણી પૂરી કર્યા બાદ તેનો નિર્ણય અનામત રાખ્યો હતો.
કોર્ટે આ ચુકાદાની સાથે સાથે જ હરેન પંડ્યા હત્યાકેસની નવેસરથી તપાસ કરવાની માગ કરતી સ્વયંસેવી સંસ્થા સીપીઆઈએલ (સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન)એ કરેલી જાહેર હિતની અરજી ફગાવી દીધી હતી અને અરજદાર સંસ્થાને ૫૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે પાંચમી જુલાઇએ ચુકાદો આપતાં ફરમાવ્યું હતું કે હવે આ કેસમાં અન્ય કોઈ અરજી પર વિચાર નહીં થાય. અરજદારે જે હકીકતો કોર્ટ સમક્ષ રજૂ કરી તેને તે સાબિત કરી શક્યા ન હોવાથી અદાલતનો સમય બરબાદ થયો છે. આથી તેને આ દંડ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે ૨૬ માર્ચ ૨૦૦૩ના ગુજરાતના તત્કાલીન ગૃહ પ્રધાન હરેન પંડ્યા અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં સવારે ફરવા નીકળ્યા હતા તે સમયે તેમની ગોળી મારી હત્યા કરાઈ હતી. સીબીઆઈએ આ કેસની તપાસ કરતા ૧૨ આરોપીઓ અસગર અલી, મોહમ્મદ રઉફ, મોહમ્મદ પરવેઝ અબ્દુલ કયુમ શેખ, પરવેઝ ખાન પઠાણ, મોહમ્મદ ફારુક, શાહનવાઝ ગાંધી, કલીમ અહેમદ, રેહાન પૂંઠાવાળા, મોહમ્મદ રિયાઝ સરેસવાલા, અનિસ માચિસવાલા, મોહમ્મદ યુનુસ સરેસવાલા અને મોહમ્મદ સઈફુદ્દીનની ધરપકડ કરી તેમના વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. વર્ષ ૨૦૦૭માં નીચલી અદાલતે સાત આરોપીઓને આજીવન કેદની જ્યારે અન્ય આરોપીને ૫થી ૭ વર્ષની કેદની સજા ફરમાવી હતી.
શું હતા ત્રણેય ચુકાદા?
• સેશન્સ કોર્ટઃ પોટા કોર્ટના જજ સોનિયાબેન ગોકાણીએ સાક્ષી અનિલ યાદવરામની જુબાની તથા હત્યાના હથિયાર, કોલ ડિટેલ્સ અને હૈદરાબાદના અસગર અલીની અમદાવાદમાં હાજરી સહિતની બાબતોને આધારે ૧૨ આરોપીઓને દોષી ઠેરવીને સજા ફરમાવી હતી.
• હાઇ કોર્ટઃ જસ્ટિસ ડી. એચ. વાઘેલા અને જસ્ટિસ જે. સી. ઉપાધ્યાયની બેન્ચે નજરે જોનાર સાક્ષી યાદવરામની જુબાની ગ્રાહ્ય રાખી નહોતી. સીબીઆઇની તપાસને અયોગ્ય ઠેરવી આરોપીઓને દોષમુક્ત ઠરાવતો આદેશ આપ્યો હતો.
• સુપ્રીમ કોર્ટઃ જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ વિનીત સરનની બેન્ચે ૧૨ આરોપીઓને દોષી ઠેરવ્યા છે. ૧૨માંથી બે આરોપીની સજાની મુદ્દત પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે એક આરોપીના કેસમાં હાઇ કોર્ટે ચુકાદો બદલ્યો હોવાથી સેશન્સ કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો.