૧૮૯૨માં શરૂ થયેલી રાજ્યની પ્રથમ ગર્લ્સ સ્કૂલને તાળાં

Wednesday 14th June 2017 09:25 EDT
 
 

અમદાવાદઃ ઈ.સ. ૧૮૯૨માં રણછોડલાલ છોટાલાલ દ્વારા શરૂ થયેલી ગુજરાતની પહેલી ગર્લ્સ હાઈસ્કૂલ સરકારની બેદરકારીને લીધે ૨૦૧૭માં બંધ કરવી પડી છે. આ સ્કૂલ અત્યાર સુધી વિદ્યાર્થિની દીઠ રૂ. ૨૦૦ ફી લેવાતી હતી. સ્કૂલમાં ધોરણ-૧થી ૧૨ની ૬૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. ૨૦૦૨ના ભૂકંપ સમયે આ ઈમારત જર્જરિત થઈ ગઈ હતી. ચોથીએ અમદાવાદના પીડબલ્યુડી વિભાગે આ ઈમારત જોખમકારક હોવાનું જાહેર કર્યું છે. જેથી ડાયરેક્ટર ઓફ એજ્યુકેશને આ સ્કૂલને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, વિદ્યાસભા ટ્રસ્ટે આ સ્કૂલ ચલાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પાસે આ સ્કૂલની સામેના બિલ્ડીંગની માગણી કરી હતી પણ સત્તાધીશોએ બિલ્ડીંગ આપવાની ના પાડી દીધી છે. છેવટે ટ્રસ્ટ પાસે કોઈ વિકલ્પ ન રહેતાં તમામ વિદ્યાર્થિનીઓને લિવિંગ સર્ટિફિકેટ આપવાની ફરજ પડી છે.

આ આરબીઆરસી સ્કૂલના ટ્રસ્ટીઓનું કહેવું છે કે સ્કૂલનું મકાન જોખમકારક છે. બે વાર સ્કૂલની દીવાલ પડી પણ ગઈ હતી. સ્કૂલનો ઉપરનો ભાગ જોખમી હોવાથી તોડી નંખાયો છે. આ સ્કૂલના મકાનના સમારકામ માટે કલેક્ટર, શિક્ષણપ્રધાન, કોર્પોરેશનના સત્તાધીશો તથા સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરી છે પણ કોઈ મદદ કરવા તૈયાર નથી. ઐતિહાસિક મકાન રૂ. બે-પાંચ લાખમાં રિનોવેશન થઈને તૈયાર થાય તેવું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter