૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતાના દિવસે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા મેડલ અપાયા છે. તેમાં ડીજીપી પ્રમોદકુમાર, આઇજીપી બી એસ જેબલિયા, ડીવાયએસપી એસ એ ઝભ્ભા, ડીવાયએસપી વી આર યાદવ, ડીવાયએસપી એમ એમ ડામોર, પીઆઇ પી પી મારુ, પીએસઆઇ એમ એસ ગોહિલ, પીએસઆઇ આર એસ પુનિયા, એએસઆઇ નાનાલાલ કે મણવર, એએસઆઇ શાંતિલાલ એમ અનાવડિયા, એએસઆઇ વસંતરાય કે મહેતા, એડીઆઇ દશરથભાઇ બી સોલંકી, હેકો ભગવાનભાઇ વી પરમાર, હેકો અખ્તરહુસેન જે સૈયદ, હેકો અજિત ડી દુબલ, હેકો જમનભાઇ એમ કણઝરિયા, કોન્સ્ટેબલ ગુણવંતસિંહ એચ રાઠોડ, આઇબી ડી એમ અગ્રાવત અને જી એસ સૈનીનો સમાવેશ થાય છે.
• દિલ્હીના બે નાઈજિરિયન ઠગે ૧૦૦ યુવતી પાસેથી લાખો લૂંટ્યાઃ ચાર વર્ષથી દિલ્હીમાં રહેતા બે નાઈજિરિયનો લોના અનુકવુ થોમસ અને ચુકવુમેકો આઈબેનેમ મેટ્રીમોનિયલ સાઈટ ઉપર યુવતીઓ સાથે ફ્રેન્ડશિપ કરતા એ પછી લગ્નની લાલચ આપીને તેમના ફોટા મંગાવતા હતા. તે ફોટા મોર્ફ કરીને અશ્લિલ બનાવીને વેબસાઈટ પર મૂકવાની ધમકી આપીને યુવતીઓ પાસેથી બંનેએ લાખો પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસને બંને નાઈજિરિયનો પાસેથી ૧૦૦ બેંક એકાઉન્ટ્સની વિગતો મળી છે. ઉપરાંત તેમની પાસેથી ૨૫ યુવતીઓના મોર્ફ કરેલા ફોટા પણ મળ્યા છે. જોકે બદનામીના ડરે કોઈ યુવતી આ અંગે કંઈ કહેવા તૈયાર નથી, પણ સીબીઆઈ આ કેસમાં વધુ તપાસ કરે છે.
• રૂપાણીએ ખાતાંની ફાળવણીમાં ફેરફાર કર્યોઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શપથવિધિ બાદ આઠમી ઓગસ્ટે પ્રધાનોના ખાતાની ફાળવણી કરી હતી હવે તેમાં કામગીરીની અસરકારક વ્યવસ્થા ગોઠવવાના ભાગરૂપે સામાન્ય ફેરફાર કરાયા છે. આ ફેરફારની વિગતો ૧૩મી ઓગસ્ટે બહાર પડી હતી. વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપાયો હતો હવે આ વિભાગનો રાજ્યકક્ષાનો હવાલો પ્રદીપસિંહ જાડેજાને સોંપાયો છે. આ અગાઉ કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરને યાત્રાધામ વિભાગ અપાયો હતો જ્યારે દેવસ્થાનનો સ્વતંત્ર હવાલો પ્રદીપસિંહ જાડેજા પાસે હતો. આ બંને વિભાગો એકબીજાની સાથે રહે તે માટે પ્રદીપસિંહ પાસેથી દેવસ્થાન વિકાસનો હવાલો પરત લઈને દિલીપ ઠાકોરને સોંપવામાં આવ્યો છે.
• ફેસબુકમાં ‘બાપુ ફોર ગુજરાત CM’ પોસ્ટ થતાં ખળભળાટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના નામે ‘બાપુ ફોર ગુજરાત સીએમ’ તેવી પોસ્ટ ફરતી થતાં રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. જોકે પોસ્ટ કરાયેલા એફબી એકાઉન્ટ પરથી ક્યારેક બાપુના ફોટા અદૃશ્ય પણ થઈ જાય છે અને સોશિયલ મીડિયાનું જાણીતું પાત્ર ‘બકો’ આવી જાય છે. આવા સંજોગોમાં શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ આ પોસ્ટ અને રાજ્યમાં થનારી ૨૦૧૭ની ચૂંટણી માટે મુખ્ય પ્રધાનપદના કોંગ્રેસના દાવેદાર વિશે કંઈ પણ કહેવાનું હાલમાં તો ટાળ્યું છે.

