અમદાવાદઃ મકરસંક્રાંતિએ સૂર્યના ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ સાથે ખરમાસ પૂર્ણ થઈ જશે અને માંગલિક કાર્યોની શરૂઆત થઇ ગઈ છે. આ પછી ૧૮ જાન્યુઆરીએ વર્ષનું પહેલું શુભ મુહૂર્ત હતું. ૧૯ જાન્યુઆરીથી ગુરુ ગ્રહ અસ્તનો થઈ ગયો છે અને ૧૬ ફેબ્રુઆરી સુધી અસ્તનો જ રહેશે. આ પરિભ્રમણને અશુભ માનવામાં આવતું હોવાથી આ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય કરી શકાય નહીં. સાથે સાથે જ ૧૬ ફેબ્રુઆરીએ શુક્ર ગ્રહ પણ અસ્તનો થઇ જશે, જે ૧૭ એપ્રિલ સુધી અસ્ત રહેશે. આ બંને ગ્રહો અસ્ત થઇ જવાથી કોઈ લગ્ન-મુહૂર્ત રહેશે નહીં, એટલે વર્ષનું પહેલું લગ્ન-મુહૂર્ત ૨૨ એપ્રિલ ગણાશે. બે ગ્રહ અસ્તના થતા હોવાથી વસંતપંચમીના વણજોયા મુહૂર્તે લગ્ન થઈ શકશે નહીં. ૧૯ વર્ષ પછી આવો સંયોગ રચાયો છે.
વસંતપંચમીએ સૂર્યોદય સાથે જ શુક્રનો અસ્ત
૧૬ ફેબ્રુઆરીએ વસંતપંચમી છે. આ તિથિને લગ્ન માટે વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે, પરંતુ આ દિવસે સૂર્યોદય સાથે જ શુક્ર ગ્રહ અસ્ત થવાનો હોવાના લીધે લગ્ન નિષેધ ગણાશે. આ કારણોસર પંચાંગમાં એને લગ્ન-મુહૂર્તમાં સામેલ કરવામાં આવ્યું નથી. જોકે લોકપરંપરા પ્રમાણે, ઉત્તરાખંડ સહિત દેશના અનેક ભાગોમાં વસંતપંચમીએ લગ્ન થાય છે.
માંગલિક કાર્યોનો નિષેધ
૧૯ વર્ષ બાદ આ પ્રકારનો યોગ આવ્યો છે, જેમાં વસંતપંચમીના દિવસે ગુરૂ અને શુક્ર અસ્તના થાય છે અને ભાગી તિથિ હોવાથી આ દિવસોમાં લગ્ન જેવા શુભ પ્રસંગો વર્જ્ય ગણાય છે. દર વર્ષે વસંતપંચમીના દિવસે સેંકડો લગ્ન થાય છે.
આ વર્ષે લગ્નના મુહૂર્ત
• ફેબ્રુઆરી: ૨૨, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮
• મે: ૧, ૨, ૭, ૮, ૯, ૧૩, ૧૪, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૬, ૨૮, ૨૯, ૩૦
• જૂન: ૩, ૪, ૫, ૧૬, ૧૯, ૨૦, ૨૨, ૨૩, ૨૪
• જુલાઈ: ૧, ૨, ૭, ૧૩, ૧૫
• નવેમ્બર: ૧૫, ૧૬, ૨૦, ૨૧, ૨૮, ૨૯, ૩૦
• ડિસેમ્બર: ૧, ૨, ૬, ૭, ૧૧, ૧૩


