૧૯ વર્ષની ઉંમરે દીક્ષા ને ૨૮ વર્ષની ઉંમરે પ્રમુખ પદ

Sunday 14th August 2016 01:13 EDT
 
 

અમદાવાદઃ આધ્યાત્મિક પ્રેરણાઓના સિંચન થકી કરોડો માનવીઓનું જીવન-પરિવર્તન કરનારા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરામાં પાંચમા ગુરુદેવ હતા. દેશવિદેશમાં સમાજસેવાના કાર્યોમાં જીવન સમર્પિત કરીને અસંખ્ય લોકોના તારણહાર બનનાર પ્રમુખસ્વામી મહારાજ ૧૭,૦૦૦થી વધુ ગામડાં-નગરોમાં ફરી વળ્યા હતા. જોકે વધતી વય અને સ્વાસ્થ્યના કારણોસર છેલ્લાં ત્રણેક વર્ષથી તેઓ તીર્થધામ સારંગપુર ખાતે સ્થાયી થયા હતા.
૯૫ વર્ષ સુધી અનેક કષ્ટો વેઠીને માનવજાતની સેવા માટે અવિરત પુરુષાર્થ કરનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો જન્મ વડોદરા પાસેના ચાણસદ ગામે તારીખ ૭ ડિસેમ્બર, ૧૯૨૧ના રોજ એક ખેડૂત પરિવારમાં થયો હતો. માત્ર ૧૯ વર્ષની વયે તેમણે ગૃહત્યાગ કર્યો હતો. અને સન ૧૯૩૯માં બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ (બીએપીએસ) સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનાં ચરણે જીવન સમર્પિત કર્યું હતું. સન ૧૯૩૯માં અમદાવાદ ખાતે તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત તરીકે દીક્ષા લીધા બાદ સંસ્કૃતનું અધ્યયન કર્યું હતું. આમ તેઓ ‘શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી’ બન્યા હતા. સન ૧૯૫૦માં માત્ર ૨૮ વર્ષની ઉંમરે તેઓ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા. ત્યારથી ‘પ્રમુખસ્વામી મહારાજ’ તરીકેનું તેમનું નામ લોકલાડીલું બન્યું હતું.
સન ૧૯૭૧માં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના દ્વિતીય ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના અનુગામી તરીકે તેઓ લાખો ભક્તોના ગુરુપદે બિરાજમાન થયા હતા. નિઃસ્વાર્થ સેવા, અનન્ય ભક્તિ, અહંશૂન્યતા, પ્રચંડ પુરુષાર્થ અને પરમ સાધુતામય જીવનથી તેઓ અસંખ્ય લોકોના હૃદયમાં અનન્ય આદર પામ્યા હતા. ગરીબ આદિવાસીઓના ઝૂંપડાઓથી લઈને પછાત, દલિત અને આપત્તિગ્રસ્ત લોકોની વચ્ચે જઈને તેમણે લાખો લોકોને નવજીવન બક્ષ્યું હતું. અસંખ્ય લોકોને વ્યક્તિગત રીતે મળીને તેમને વ્યસનમુક્તિની પ્રેરણા આપનાર પ્રમુખસ્વામી મહારાજે બાળ-યુવા પ્રવૃત્તિનું એક મહાન આંદોલન ચલાવ્યું છે.

શા‌ળાસમયથી સાધુભાવ

પ્રમુખ સ્વામીએ પ્રાથમીક શિક્ષણ પાદરા સ્કૂલમાં લીધુ હતુ, ચાણસદની રોજ પાદરા સ્કુલમાં ભણવા માટે જતાં હતા. એક પ્રસંગ વાગોળતાં ચાણસદના રહીશો તેમના દયાભાવનો પ્રસંગ કહેતા જણાવે છે કે, પ્રમુખ સ્વામીને સ્કુલમાં જ્યારે જતાં ત્યારે તેમના ભાઇબંધો શાંતિયો પમ્પો કહીને ખીજવતા હતા. એક વખત પ્રમુખ સ્વામીના એક મિત્ર ખીજવનારા મિત્રો પર અકળાયા હતા. તેમાં પ્રમુખ સ્વામીનું ઉપરારુ લઇને એક મિત્રએ અન્યને લાત મારી, ત્યારે પ્રમુખ સ્વામીએ તે સમયે કહ્યુ આપણે આવુ ન કરવુ જોઇએ. આમ તે સમયે તેમનામાં દયાભાવ જણાતો હતો.

મિત્રો સાથે સ્વિમીંગ સ્પર્ધા

ગામની શાળામાં જ્યારે તેઓ અભ્યાસ કરતાં હતા ત્યારે રિશેષના સમયે શાળાની દીવાલ કુદીને તળાવમાં છલાંગ લગાવતા હતા. તેમના અંગત કહેવાય તેવા ચાર મિત્રો સ્વીમીંગ સ્પર્ધા કરતા હતા. સ્કૂલની સામે આવેલા હનુમાનજીના મંદિરથી સ્વિમીંગ કરીને પાછા આવતા હતા. જેમાં પ્રમુખસ્વામી મહારાજ હંમેશા પ્રથમ આવતા હતા. તેવી જ રીતે ક્રિકેટ અને તે પહેલા રમાતા ગેડી-દડાના પણ શોખીન હતા. ગેડી-દડો રમવા માટે તો પરિવારજનોથી લપાઇ-છુપાઇને ગેડી-દડો બહાર લઇને જતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter