અમદાવાદઃ ૧૯૯૩ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટનો આરોપી અહેમદ મોહમ્મદ લંબુ ૨૫ વર્ષથી મોસ્ટ વોન્ટેડની યાદીમાં હતો. ૨૫ વર્ષથી મોસ્ટ વોન્ટેડ લંબુ પર રૂ. ૫ લાખનું ઇનામ પણ જાહેર કરાયું હતું. તે લંબુને પહેલી જૂને ગુજરાત એટીએસ અને મરિન પોલીસના સંયુક્ત ઓપરેશન બાદ વલસાડમાં આવેલા પારડીના દરિયા વચ્ચેથી પકડી પાડયો હતો. ઉલ્લેખનીય છે કે, અહેમદ સામે સીબીઆઈએ લુક-આઉટ અને ઈન્ટરપોલ નોટિસ જારી કરી હતી. અહેમદ લંબુને પકડાયાની જાણ થતાં સીબીઆઈની એક ટીમ પહેલીએ મોડી સાંજે જ અમદાવાદ આવી પહોંચી હતી અને આરોપીનો કબજો લીધો હતો.
૧૯૯૩ના બ્લાસ્ટના મુખ્ય ભેજાંબાજ લંબુ પર અત્યાઆધુનિક હથિયારો અને આરડીએક્સના જથ્થાની હેરફેર સહિત આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવણીનો આરોપ છે. એટીએસને બાતમી મળી હતી કે, વલસાડ વાપી પાસેના પારડીના દરિયાઇ માર્ગેથી અહેમદ લંબુ પસાર થવાનો હતો જેથી છ મહિના સુધી આ દરિયાઇ માર્ગ ઉપર ખાસ વોચ ગોઠવી હતી જેમાં બે વાર એવું બન્યું હતું કે, આ દરિયાઇ માર્ગથી આ આરોપી પસાર થવામાં સફળ થયો હતો જોકે, ત્રીજી વાર તેને ઝડપી લેવામાં એટીએસ સફળ રહી હતી. અહેમદ ગુજરાતમાં વલસાડ પારડી પાસે રહેતો હતો અને મુંબઈના મુસાફિર ખાનામાં તેના પરિવારને છુપાઇને મળવા જતો હતો.
૧૨મી માર્ચ ૧૯૯૩ના રોજ મુંબઈમાં થયેલા શ્રેણીબદ્વ બ્લાસ્ટમાં ૨૫૭ નિર્દોષ નાગરિકો મોતને ભેટયા હતા. મુંબઈમાં સિરિયલ ૧૨ પ્રચંડ બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં ૭૧૩થી વધુ લોકો ઘાયલ થયા હતા. લંબુએ ડોન દાઉદ સાથે બેઠક કરી હતી પછી પાકિસ્તાનમાં ખાસ આતંકી તાલીમ લઇ આવ્યો હતો અને પછી મુંબઇ બોમ્બ બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. લંબુ ૧૯૯૩ના બ્લાસ્ટ બાદ દુબઈ જતો રહ્યો હતો.

