૨૦૦૨માં બ્રિટિશરનું મોતઃ વળતરના દાવામાંથી CM નરેન્દ્ર મોદીનું નામ રદ

Tuesday 08th September 2020 09:15 EDT
 

અમદાવાદ: ૨૦૦૨ના તોફાનો સમયે, પ્રાંતિજમાં બ્રિટિશ નાગરિકની હત્યાના કેસમાં રૂ. ૨૩ કરોડના વળતર માટેની દાવાની અરજીમાંથી હાલના વડા પ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ રદ કરવા માટે થયેલી અરજીને પ્રાંતિજ સિવિલ કોર્ટે ગ્રાહ્ય રાખી છે. કોર્ટનું અવલોકન છે કે, કોઈ અંગત પગલાંથી આ ઘટનામાં મૃત્યુ થયું ગણાય નહીં. અરજદારે આ કેસમાં તત્કાલીન મુખ્ય પ્રધાન મોદીને જવાબદાર ઠેરવવા માટે વિવિધ આક્ષેપો સાથે રજૂઆતો કરી છે, પણ આ કેસ સાથે તત્કાલીન મુખ્ય પ્રધાનનું જોડાણ છે કે નહીં તે અંગે કોઈ પુરાવા આપી શક્યા નથી. આ વાતને સાબિત કરવામાં દાવાની અરજી કરનાર અરજદાર નિષ્ફળ રહ્યાં છે. પ્રાંતિજમાં જે પણ ઘટના બની તેની સાથે તત્કાલીન મુખ્ય પ્રધાનનું કોઈ જોડાણ સાબિત થતું નથી. આ ઉપરાંત, આ કેસમાંથી નરેન્દ્ર મોદીનું નામ કમી કરવામાં આવે તો પણ આ દાવાને તો કોઈ અસર થવાની જ નથી. જેથી, દાવાના આ કેસમાંથી રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ હટાવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૦૨માં બ્રિટનના નાગરિક ઈમરાન દાઉદ તેના બે કાકા અને એક પાડોશી સાથે ગુજરાત આવ્યા હતા. આ સમયે, ગોધરાકાંડ બાદ થયેલા તોફાનોમાં પ્રાંતિજમાં નેશનલ હાઈવે નં. ૮ પર આ ત્રણેય બ્રિટિશ નાગરિકોની હત્યા થઈ હતી એ પછી ઈમરાન દાઉદે ૨૦૦૪માં હિંમતનગર કોર્ટમાં રૂ. ૨૩ કરોડના વળતર માટે દાવાની અરજી કરી હતી. આ પછી, વર્ષ ૨૦૧૭માં જ્યુરિડિક્શન બદલાતા આ કેસ, પ્રાંતિજની સિવિલ કોર્ટમાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter