૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં કચ્છ-સૌરાષ્ટ્ર ભાજપની પડખે રહ્યા હતા

Wednesday 29th November 2017 08:25 EST
 
 

અમદાવાદઃ વિધાનસભાની ૨૦૧૨ની ચૂંટણીમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશ ભાજપની પડખે રહ્યા હતા. આ વિસ્તારની ૫૪ બેઠકોમાંથી ૩૫ બેઠકો એટલે કે ૬૪.૮૧ ટકા બેઠકો ભાજપે કબજે કરી હતી. કોંગ્રેસને બધું મળીને ૧૫, એક બેઠક એનસીપીને તથા કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)ને બે બેઠકો મળી હતી.
આ આખોય વિસ્તાર ભાજપનો ગઢ મનાય છે. કચ્છની છ, સુરેન્દ્રનગરની પાંચ, રાજકોટની ૧૧, જામનગરની ૭, પોરબંદરની બે, જૂનાગઢની ૯, અમરેલીની ૫, ભાવનગર ૯ મળીને કુલ ૫૪ બેઠકો આ વિસ્તારમાં છે. અલબત્ત, હાલ જિલ્લાના વિભાજનો થતાં જિલ્લાઓની સંખ્યા વધી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, બોટાદ જેવા જિલ્લાઓ ઉમેરાયા છે પણ બેઠકોની સંખ્યા તો યથાવત્ જ રહી છે.
કચ્છ જિલ્લાની ૬માંથી ૫ બેઠકો ભાજપે મળવીને પોતાનો ગઢ સાબિત કર્યો હતો. જ્યારે કોંગ્રેસને માત્ર એક જ બેઠકથી સંતોષ માનવો પડયો હતો. ઠીક એવી જ સ્થિતિ સુરેન્દ્રનગરની હતી. અહીં પણ પાંચમાંથી એક જ બેઠક કોંગ્રેસને મળી હતી. સોમા ગાંડા પટેલ આ જિલ્લામાંથી વિજયી બન્યા હતા. અલબત્ત, તેઓ પણ માંડ માંડ માત્ર ૧૫૬૧ મતોની સરસાઇથી જ લીંબડી બેઠક પરના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને હરાવી શક્યા હતા. અહીંના ૩૦ ઉમેદવારને કુલ ૫૧૦૩ મત મળ્યા હતા!
રાજકોટ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો સંઘર્ષ રહ્યો હતો અને પરિણામમાં પણ તે દેખાતો હતો. જિલ્લાની ૧૧ પૈકી ૬ બેઠક ભાજપને તો ૫ કોંગ્રેસને મળી હતી. આમ કોંગ્રેસ અહીં લડાયક નિર્ણાયક સ્થિતિમાં જોવા મળી હતી.
આ વિસ્તારની બેઠકોમાંથી એક રાજકોટ (પશ્ચિમ) બેઠક પરથી વજુભાઈ વાળા ચૂંટાયા હતા. સૌથી સિનિયર એવા ભાજપના અગ્રણીને મોદીએ ત્યારે પ્રધાનપદને બદલે ગુજરાત વિધાનસભાનું સ્પીકર પદ સોંપ્યું હતું. મોદી ૨૦૧૪ની ચૂંટણીમાં લોકસભામાં ગયા ત્યારે વજુભાઈ મુખ્ય પ્રધાનપદના દાવેદાર હતા. અલબત્ત, આનંદીબહેન પટેલ પર પસંદગીનો કળશ ઢોળાયો. તે પછી વજુભાઈની વરણી કર્ણાટકના રાજ્યપાલ તરીકે થઇ છે.
બીજી નોંધપાત્ર ઘટના વિઠ્ઠલ રાદડિયાની હતી. ધોરાજી બેઠક પરથી માત્ર ૨૯૪૩ની સરસાઈથી જ તેઓ જીત્યા હતા. આ પછીથી ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો અને ભાજપમાં જોડાયા હતા. લોકસભાની ચૂંટણી લડીને સાંસદ બન્યા છે. તેમના પુત્ર જયેશ રાદડિયા પણ કોંગ્રેસમાંથી જેતપુર બેઠક પરથી ચૂંટાયેલા, પણ પછી કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં ગયા. પેટા ચૂંટણી જીત્યા અને ગુજરાતના પ્રધાન મંડળમાં કેબિનેટ પ્રધાન બન્યા.
જામનગર જિલ્લામાં ભાજપની સ્થિતિ શ્રેષ્ઠ રહી છે. જિલ્લાની સાતમાંથી પાંચ બેઠક ભાજપે જ્યારે કોંગ્રેસને માત્ર બે બેઠક જ મળેલી છે. પોરબંદરમાં બે બેઠકમાં ભાજપ અને એનસીપી સરખે સરખા હિસ્સે રહ્યા હતા.
જૂનાગઢ જિલ્લાની ૯ બેઠકમાં ભાજપ-કોંગ્રેસ સરખે સરખી ચાર-ચાર બેઠકની સ્થિતિએ રહ્યા હતા. આ જિલ્લામાંથી વિસાવદરની બેઠક ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ લડ્યા હતા અને બેઠક પોતાની ગુજરાત પરિવર્તન પાર્ટીના નામે કરી હતી. મોદી સાથેના રાજકીય અણબનાવથી નવી પાર્ટી બનાવીને મોદી સામે મોરચો માંડનારા કેશુભાઈ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે સમજૂતી કરીને સક્રિય રાજકારણમાંથી બહાર નીકળી ગયા છે.
અમરેલી જિલ્લાની ૫ બેઠકમાંથી ભાજપ અને કોંગ્રેસને ફાળે બે - બે બેઠક જ્યારે એક બેઠક જીપીપીને ફાળે ગઇ હતી. જીપીપીના નલિન કોટડિયા માત્ર ૧૫૭૫ની મત સરસાઇથી જીત્યા હતા. પાટીદાર આંદોલન પછી ભાજપના તીવ્ર ટીકાકાર કોટડિયા હવે ભાજપ સાથે સમાધાનકારી ભૂમિકામાં છે. જોકે આમ છતાં આ વર્ષે તેઓ ટિકિટ મેળવી શક્યા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter