૨૦૧૭ની જેમ ફરી રાજ્યસભા ચૂંટણી કશ્મકશભરી બનશે

Wednesday 05th June 2019 07:00 EDT
 

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરની બેઠક પરથી અમિત શાહ અને અમેઠીની બેઠક પર સ્મૃતિ ઈરાનીએ જીત મેળવી છે જેના પગલે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે. જોકે, ધારાસભ્યોનું સંખ્યાબળ જોતાં ભાજપ બે બેઠકો પૈકી એક બેઠક ગુમાવવી પડે તેવી સ્થિતિ છે. આ વખતે ૨૦૧૭ની જેમ ફરી રાજ્યસભાની રસપ્રદ ચૂંટણીની સ્થિતિ છે. એટલું જ નહીં, હોર્સટ્રેડિંગ થવાની સંભાવના નકારી શકાતી નથી.
લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં રાજકીય સમીકરણો બદલાયાં છે. વિધાનસભાની પેટાચૂંટણીમાં ચાર બેઠકોમાં જીત મેળવતાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધીને ૧૦૩ થઈ છે. આ તરફ કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ ૭૧ છે. રાજ્યસભાની ચૂંટણીમાં એક ઉમેદવારે ૬૦ મતોની જરૂરિયાત છે. ભાજપ ખાલી પડેલી બંને બેઠકોમાંથી એકેય બેઠક કોંગ્રેસને ફાળે જાય તેવું ઈચ્છતી નથી જેથી કોંગ્રેસના નારાજ ધારાસભ્યો સાથે તોડજોડની રાજનીતિ રમાય તેમ છે. ફરી એકવાર કોંગ્રેસના નારાજ ધારાસભ્યો કેસરિયો ખેસ પહેરશે. ભાજપે દાવો કર્યો છે કે કોંગ્રેસના ઘણા નારાજ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. ભાજપની બીટીપીના બે ધારાસભ્યો અને એનસીપીના એક ધારાસભ્ય પર નજર છે. ૨૦૧૭માં તો બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાએ એક મત આપીને અહેમદ પટેલને જીતાડ્યા હતાં. આ વખતે રાજકીય ગતિવિધિ બદલાઈ છે. લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસે બીટીપી સાથે જોડાણ કર્યું ન હતું પરિણામે આ વખતે બીટીપી અને એનસીપી ભાજપને મત આપે તો નવાઈ નહીં. બંને બેઠકો જીતવા ભાજપે કોંગ્રેસના ૧૧ ધારાસભ્યો ઓછા કરવા પડે. આ જોતાં હોર્સ ટ્રેડિંગની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ચર્ચા છે કે જો ક્રોસવોટિંગ થાય તો ધારાસભ્ય ડિસ્કવોલિફાઈડ થઈ શકે છે. જોકે, ભાજપે શામ, દામ, દંડની રાજનીતિ ખેલી કોંગ્રેસના ધારાસભ્યોનો ક્રોસવોટિંગ પણ કરાવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter