ગાંધીનગર: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સર્વેસર્વા મુકેશ અંબાણીએ ૨૩મીએ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના છઠ્ઠા પદવીદાન સમારોહમાં જણાવ્યું હતું કે, ૨૦૨૪ સુધીમાં ભારત વિશ્વના ત્રણ શ્રેષ્ઠ અર્થતંત્રોમાં સમાવિષ્ટ થઈ જશે, એટલે પીડીપીયુના વિદ્યાર્થીઓ માટે અત્યારનો સમય શ્રેષ્ઠ સમય છે કે જેમાં તેઓ તેમનું શ્રેષ્ઠ કૌશલ્ય બહાર લાવે અને એ દ્વારા આપણાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂ ઈન્ડિયાનું જે સપનું જોયું છે તે તેઓ સાકાર કરે.
પીડીપીયુના બોર્ડ ઓફ ગવર્નન્સના ડિરેક્ટર એવા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ જણાવ્યું કે, દસ વર્ષ પહેલાં આ ઈન્સ્ટિટયૂટની સ્થાપના થઈ ત્યારે ૧૦૦ વિદ્યાર્થીઓ હતા, આજે એમાંથી ડિગ્રી લઈને ૧૦૦૦ વિદ્યાર્થીઓ બહાર આવી રહ્યાં છે, જે દેશનો અને આ સંસ્થાનો પ્રોગ્રેસ દર્શાવે છે, તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંસ્થામાં જોયેલું સપનું ખરેખર સાકાર થયું છે. અત્યારે દુનિયાભરમાં પર્યાવરણ અને ઊર્જાની ચાલી રહી છે, પણ પાંચ-છ વર્ષમાં ભારત જરૂરિયાતની ૧૦૦ ટકા ઊર્જા ઉત્પન્ન કરતો દેશ બનશેે. એ પછી ભારત જરૂર ઈકો ફ્રેન્ડલી ઊર્જાના નિર્માણ ક્ષેત્રે આગળ વધશે, અત્યારે ભારતમાં ઊર્જા ક્ષેત્રે માગ પૂરી કરવાની બાબત અને પર્યાવરણની જાળવણી એ મોટા પડકારની બાબત છે, એમ પણ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું.

