ગુજરાતમાં આર્થિક સ્થિતિ સારી હોવાથી ધુતારાઓ, જ્યોતિષિયો, ભૂવા અને ઢોંગી લોકોનું સામ્રાજ્ય વધી ગયું હોવાના આંકડા બહાર આવ્યા છે. વિજ્ઞાન જાથા નામની સંસ્થાએ ગઢડામાં એક ધુતારા શખ્સને પકડી પાડીને અત્યાર સુધીનાં એક હજાર ધુતારાને પકડવાનો વિક્રમ સ્થાપિત કર્યો છે. જાથાએ વર્ષ ૧૯૯૨થી આ કાર્ય શરૂ કર્યું હતું. ચમત્કાર સામે લોક આંદોલન કરવા વિવિધ સ્કૂલોમાં બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. રાજકોટમાં એક શખસ મંત્રેલું પાણી પીવાનું આપીને લોકોને આર્થિક અને માનસિક રીતે લૂંટતો હતો તે ધ્યાનમાં આવતાં તેને પકડી પાડયો હતો. ૨૩ વર્ષથી આવા એક હજાર ધુતારાઓ પકડી પાડીને ભારતમાં એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે.
મુખ્ય સચિવના પુત્રનાં લગ્ન પ્યૂનની પુત્રી સાથેઃ ગુજરાતના મુખ્ય સચિવ જી.આર. અલોરિયાના પુત્ર દીપકનાં લગ્ન રાજસ્થાનમાં એક ચોથા વર્ગના કર્મચારીઓની પુત્રી સાથે યોજાઈ ગયાં. અલોરિયા મુખ્ય સચિવ હોવા છતાં તેમણે પોતાના પુત્રના લગ્ન એક પ્યુનની પુત્રી સાથે કરાવીને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જયપુર ખાતે ગત સપ્તાહે અમીરી ગરીબીનાં અતરને મીટાવતાં આ લગ્નમાં ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યના અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અલોરિયાએ ચોથા વર્ગના કર્મચારી હનુમાનપ્રસાદ સાથે જૂની મિત્રતા નિભાવીને તેમની પુત્રી કવિતાનો પોતાના પરિવારમાં વહુ તરીકે સ્વીકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે જી.આર. અલોરિયા મૂળ રાજસ્થાનના જયપુર જિલ્લાના ગોનેર ગામના વતની છે.
ખેડૂતોને માવઠાની નુકસાનીનું સરેરાશ વળતર રૂ. માત્ર ૩,૧૫૨!ઃ ગુજરાતમાં માર્ચ મહિનામાં કરાં-કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો મામલો ખૂબ ગાજ્યો હતો. આથી રાજ્ય સરકારે નુકસાનીનો સર્વે કરાવી સહાય કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ કેન્દ્રની મોદી સરકારે પણ સહાયના ધોરણો સુધારી ૫૦ ટકાના બદલે ૩૩ ટકા પછીની નુકસાની ચૂકવવાનું જાહેર કરેલું. તાજેતરમાં રાજ્યમાં આ નુકસાનીનું ચૂકવણું થયું ત્યારે તેમાં અમદાવાદ સહિત કુલ ૮ જિલ્લાના આશરે ૯૨ હજાર ખેડૂતોને કુલ રૂ. ૨૯ કરોડ ચૂકવવાના છે. સરકારનાં સૂત્રોમાંથી અસરગ્રસ્ત ખેડૂતોની જે સંખ્યા અને વળતરની રકમની ફાળવણીની વિગતો પ્રાપ્ત છે તે જોતાં ખેડૂતદીઠ સહાયની રકમનો આંકડો રૂ. ૩૧૫૨ જ થાય છે!
એનર્જી ડ્રિંકમાં મળ્યો બિયર કરતાં વધુ આલ્કોહોલઃ ગુજરાતમાં દારૂબંધી હોવાથી તેનો ફાયદો ઉઠાવીને લોકોને દારૂનો નશો કરાવવા માટે હવે એનર્જી ડ્રિંકનો નશીલાં પીણાં તરીકે ઉપયોગ થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. કચ્છની એક નવી જ કંપનીએ એનર્જી ડ્રીંકમાં આલ્કોહોલ ભેળવીને લોકોને નશો કરાવવાની નવી આદત પાડી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફૂડ ડિપાર્ટમેન્ટે નિષ્કાળજી બતાવતાં ખૂદ આરોગ્ય પ્રધાન નીતિન પટેલે આ રેકેટ પકડ્યું છે. જેના આધારે મહેસાણા અને બીજા સાત સ્થળોએથી નમૂના લઈને ફૂડ ટેસ્ટીંગ લેબોરેટરીમાં તપાસવા માકલી આપતાં તેમાં ૭.૫૦થી લઈને ૧૦.૫૦ ટકા જેટલું આલ્કોહોલ હોવાનું જણાયું હતું.
ગુજરાત ચેમ્બરમાં નવા હોદ્દેદારો ચૂંટાયાઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની કારોબારીમાં ત્રણ કેટેગરીમાં યોજાયેલી ચૂંટણીમાં બહુ ચર્ચિત વટવા પ્રેરિત પ્રેસિડન્ટ પેનલના ઉપપ્રમુખપદના ઉમેદવાર બિમલ પરીખને હરાવીને વિજેતા બન્યા છે. શૈલેશ પટવારીને કુલ ૮૬૨ મત મેળવ્યા હતા. તેની સામે બિમલ પરીખે ૮૦૦ મત મેળવ્યા હતા. જોકે ચેમ્બરની જનરલ કેટેગરીની આઠ સીટ પર વટવા પેનલે તમામ હરીફોનો સફાયો બોલાવીને આઠેઆઠ બેઠક પર વિજય મેળવ્યો હતો.
૩૧ સિનિયર IASની બદલીઃ મહાનગરપાલિકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ પૂર્વે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે સચિવાલયમાં અધિક મુખ્ય સચિવથી લઈને ડેપ્યુટી સેક્રેટરી સુધીના ૩૧ આઈએએસ ઓફિસરોની આંતરિક બદલીઓ કરી છે. ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી ચાર્જમાં ચાલતા મહેસૂલ વિભાગ, શહેર વિકાસ, ગૃહ વિભાગમાં અધિક મુખ્યસચિવ અને અગ્રસચિવ સ્તરના પૂર્ણ સમય ઓફિસરની નિયુક્તિ કરવામં આવી છે. જ્યારે પંચાયત અને ગ્રામ વિકાસથી લઈને ઉદ્યોગ, પુરવઠા જેવા વિભાગોમાં પણ પૂર્ણ સમયના ઓફિસરોની નિયુક્તિ થઈ છે.